પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના કરોડો રૂપિયાના કૌભાંડમાં આવકવેરા વિભાગે શુક્રવારે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની મિલકતો જપ્ત કરી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, વિભાગે ચોકસીની મહારાષ્ટ્રના નાશિકમાં મિલકતો જપ્ત કરી છે. ગયા મહિનાની શરૂઆતમાં, કેન્દ્રએ રાજ્યસભાને જાણ કરી હતી કે ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સંબંધિત રૂ. 19,111.20 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે શુક્રવારે નાશિકમાં મેહુલ ચોક્સીની 9 એકર ખેતીની જમીન જપ્ત કરી હતી. કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ પીએનબીના ભૂતપૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઉષા અનંતસુબ્રમણ્યન અને ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ વિરુદ્ધ નવેસરથી કાર્યવાહીની મંજૂરી માગ્યા પછી ઈન્કમટેક્સે આ કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકાર ચોક્સીના પ્રત્યાર્પણ માટે સતત પ્રયાસ કરી રહી છે, જે હાલમાં એન્ટીગુઆ અને બરબુડામાં રહે છે.
મેહુલ ચોક્સી પર તેના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને લેટર્સ ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને પીએનબીમાંથી 13,500 કરોડ રૂપિયાનાં જાહેર નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે. તેણે નવેમ્બર 2017માં એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી અને જાન્યુઆરી 2018ના પ્રથમ સપ્તાહમાં ટાપુ રાષ્ટ્રમાં ભાગી ગયો હતો.
મેહુલ ચોક્સી ગયા વર્ષે ડોમિનિકામાં પકડાયો હતો અને એન્ટિગુઆ અને બાર્બુડાથી ભાગી ગયા બાદ દેશમાં ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે ભારતને પ્રત્યાર્પણ ટાળવાના સંભવિત પ્રયાસથી બચવા માટે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભાગેડુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.
નીરવના સાગરીતનું ઇજિપ્તથી પ્રત્યાર્પણ
દરમિયાન પીએનબી કૌભાંડમાં એક મોટી સફળતામાં, ભારતે આ અઠવાડિયાની શરૂઆતમાં ફરાર હીરાના વેપારીના નજીકના સાગરીતનું ઈજિપ્તથી સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કર્યું. નીરવ મોદીની એક ફર્મમાં ડેપ્યુટી જનરલ મેનેજર સુભાષ શંકરને સોમવારે કૈરોથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.