ક્રાઈમ:ટેરર ફન્ડિંગમાં સંડોવણી બદલ બે ગુંડાઓની NIA દ્વારા ધરપકડ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ કોર્ટમાં કહ્યું, સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા,

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દ્વારા ચલાવવામાં આવતી ક્રાઈમ સિન્ડિકેટની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નાણાકીય વ્યવહારો અને મુંબઈનાં પશ્ચિમી ઉપનગરોમાં ટેરર ફન્ડિંગમાં સામેલ થવા બદલ ગેંગસ્ટર છોટા શકીલના બે નિકટવર્તી સાગરીતની ધરપકડ કરી છે.

આરીફ અબુબકર શેખ (59) અને શબ્બીર અબુબકર શેખ (51) તરીકે ઓળખાયેલા આરોપીઓની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. આરીફની ધરપકડ મુંબઈના ઉપનગરીય ગોરેગાંવ પશ્ચિમમાંથી કરવામાં આવી હતી, જ્યારે શબ્બીરને થાણે જિલ્લામાં મીરા રોડ ઈસ્ટમાંથી પકડવામાં આવ્યો હતો.

આ બંનેને શુક્રવારે કોર્ટમાં હાજર કરાતાં 20 મે સુધી કસ્ટડી આપવામાં આવી છે. જજ રાહુલ ભોસલેએ બંનને આરોપો વિશે પૂછતાં તેમણે બધા આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતું. આ પછી સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા એવું કહીને દેશ પ્રત્યે પ્રેમ હોવાની ભાવના વ્યક્ત કરી હતી.

ડી-કંપની આતંકવાદીઓ સાથે ઘાતપાત કરશે
દરમિયાન એનઆઈએએ કોર્ટને જણાવ્યું કે ડી- કંપની અનેક આતંકવાદી સંગઠનના સંપર્કમાં હોઈ દેશમાં મોટી આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવાની તૈયારીમાં છે. ધરપકડ કરેલા બંને આરોપી ડી-કંપની માટે મની લોન્ડરિંગ કરતા હતા એવા અનેક પુરાવા મળ્યા છે. બંને 1993ના બોમ્બવિસ્ફોટના આરોપી છોટા શકીલના સંપર્કમાં હતા. તેમના અનેક આર્થિક વ્યવહાર મળી આવ્યા છે. ડી- કંપની આરોપીઓને હવાલા દ્વારા નાણાં મોકલતી હતી. બંને ડી-કંપનીના પેરોલ પર હતા અને ડી-કંપની માટેકામ કરતા હતા એવા પુરાવા મળ્યા છે, એમ પણ એનઆઈએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

એનઆઈએના 29 ઠેકાણે દરોડા
એનઆઇએએ 3 ફેબ્રુઆરીના રોજ દાઉદ ઈબ્રાહિમની ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ સુઓ-મોટો કેસ નોંધ્યો હતો. એનઆઇએએ સોમવારે મુંબઈમાં છોટા શકીલના સાગરીત સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટને દાઉદ ઈબ્રાહિમના સાગરીત વિરુદ્ધ મુંબઈ અને થાણે જિલ્લામાં 29થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા બાદ અટકાયતમાં લીધા હતા. એનઆઈએએ મુંબઈના નાગપાડા વિસ્તાર, ભીંડી બજાર, સાંતાક્રુઝ, માહિમ, ગોરેગાંવ વિસ્તારો, થાણેના મુંબ્રા અને અન્ય સ્થળોએ દાઉદ ઈબ્રાહિમના સાગરીતો રહેતા હતા તે હાઉસિંગ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા.

આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક
આ કેસ ડી-કંપનીના આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગુનાહિત પ્રવૃત્તિઓથી સંબંધિત છે, જેમાં હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ, શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ, જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ મુશ્તાક અને ટાઈગર મેમણનો સમાવેશ થાય છે, એમ એનઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેઓ શસ્ત્રોની દાણચોરી, નાર્કો ટેરરીઝમ, મની લોન્ડરિંગ, નકલી ભારતીય ચલણના પ્રસારમાં સંડોવાયેલા છે અને લશ્કર-એ-તોયબા (એલઇટી), જૈશે -મોહમ્મદ (જેઈએમ) અને અલ કાયદા (એક્યુ) સહિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સક્રિય સહયોગમાં કામ કરવા માટે અને સંપત્તિ અનધિકૃત રીતે કબજામાં લેવામાં સંડોવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...