પ્રવાસીઓ માટે આનંદના સમાચાર:પશ્ચિમ રેલવેમાં એસી લોકલની નવી 8 ફેરીઓ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવેથી સ્લો એસી લોકલ પણ દોડાવવામાં આવશે

પશ્ચિમ રેલવેમાં એસી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. પશ્ચિમ રેલવેમાં એસી લોકલની નવી 8 ફેરીઓ દોડાવવામાં આવશે. ઉપરાંત અત્યાર સુધી એસી લોકલ ફક્ત ફાસ્ટ હતી પણ હવે પ્રથમ વખત 7 ફેરીઓ સ્લો દોડાવવામાં આવશે. નવી 8 ફેરીઓમાંથી 7 એસી લોકલ સ્લો અને 1 ફાસ્ટ હશે.

આ નિર્ણયના કારણે અત્યારે દોડતી એસી લોકલની કુલ ફેરીઓમાં વધારો થશે. પશ્ચિમ રેલવે 12ના બદલે 20 એસી લોકલની ફેરીઓ દોડાવશે. એસી લોકલની ફેરીઓ વધારવા માટે સાદી લોકલની બે ફેરીઓ રદ કરવી પડશે. આ સાદી લોકલની ફેરીઓ ચર્ચગેટ અને બાન્દરા સ્ટેશન દરમિયાન ચલાવવામાં આવતી હતી.

બાકીની 6 લોકલની ફેરીઓ અત્યારના ટાઈમટેબલમાં સમાવવામાં આવી છે. 22 નવેમ્બરથી ટાઈમટેબલમાં ફેરફાર થશે. તેથી પશ્ચિમ રેલવેમાં અત્યારની કુલ 1367 લોકલ ફેરીનો આંકડો 1373 થશે. એસી લોકલની 8 ફેરીઓમાંથી 4 લોકલ ડાઉન દિશામાં અને 4 લોકલ અપ દિશામાં ચલાવવામાં આવશે. અપ દિશામાં ચલાવવામાં આવનારી લોકલમાંથી એક વિરારથી ચર્ચગેટ, બે લોકલ બોરીવલીથી ચર્ચગેટ અને એક એસી લોકલ ગોરેગાવથી ચર્ચગેટ સ્ટેશન દરમિયાન ચલાવવામાં આવશે.

ડાઉન દિશામાં ચલાવવામાં આવનારી એસી લોકલમાંથી એક ચર્ચગેટથી નાલાસોપારા, બે ચર્ચગેટથી બોરીવલી અને એક ચર્ચગેટથી ગોરેગાવ દરમિયાન ચલાવવામાં આવશે. અત્યારે પશ્ચિમ રેલવે પાસે 4 એસી લોકલ ઉપલબ્ધ છે. બીજી તરફ મધ્ય રેલવેમાં બે એસી લોકલ ઉપલબ્ધ છે. મધ્ય રેલવેમાં મેઈન લાઈન પર 10 અને ટ્રાન્સહાર્બર પર 16 લોકલની ફેરીઓ અત્યારે ચલાવવામાં આવે છે.

વેસ્ટર્ન રેલવેના વધુ એક સ્ટેશન જોગેશવરી પર ટર્મિનસ બનશે
વેસ્ટર્ન રેલવેના વધુ એક સ્ટેશન પર ટર્મિનસ બનાવવામાં આવવાનું છે. વેસ્ટર્ન રેલવેએ જોગેશ્વરીમાં ટર્મિનલ બનાવવા માટેનો પ્રોજેક્ટ રેલવે મંત્રાલયને મોકલ્યો છે. અહીંથી તેજસ અને ખાનગી ઓપરેટરોની ટ્રેન દોડાવવાનો વિચાર છે. વેસ્ટર્ન રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદરા ટર્મિનસ પરથી ટ્રેન દોડાવવામાં આવે છે. પરંતુ આ ટર્મિનસ ઓછો પડી રહ્યા હોવાનું વેસ્ટર્ન રેલવેના અધિકારીએ
જણાવ્યું હતું.

એથી વધુ એક ટર્મિનસ લગભગ 70 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. આ માટે જોગેશ્વરી સ્ટેશનનુ ટર્મિનસમાં રૂપાંતર કરવામાં આવશે. હાલ અહીં ગૂડ્સ શેડ છે, જ્યાંથી ફ્રેઈટ ટ્રાફિક એટલે સિમેન્ટ સહિત ફૂડ ગ્રેન એટલે કે અનાજ વગેરેનું ટ્રાન્સપોર્ટેશન થાય છે.જોગેશ્વરીમાં નવા ટર્મિનસ પરથી તેજસ જેવી કે જે લોકલ ટ્રેનની માફક બંને છેડાથી દોડી શકે તેવી ટ્રેન દોડાવાની યોજના છે. આ ટર્મિનલ રામ મંદિર અને જોગેશ્વરી સબર્બ સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે. તેમ જ ઈસ્ટ તરફ આ ટર્મિનસ બાંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...