વિશેષ કાર્યવાહી:ગઢચિરોલીમાં ઠાર નકસલવાદી તેલતુંબડે 3 રાજ્યમાં વોન્ટેડ હતો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 લાખથી વધુ ઈનામ માથે લઈને ફરતો હતો

ગઢચિરોલીના પાલકમંત્રી એકનાથ શિંદેએ પોલીસે નકસલવાદીઓ વિરુદ્ધ કરેલી કાર્યવાહી માટે તેમને અભિનંદન આપ્યા છે. તેમાંય ત્રણ રાજ્યની પોલીસ જેને શોધી રહી હતી તે મિલિંદ તેલતુંબડેને ઠાર કર્યો તે માટે પોલીસના બહુ વખાણ કર્યા હતા.તેલતુંબડે મહારાષ્ટ્ર સાથે છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશના નકસલવાદીઓનો નેતા હતો. તે કાયમ થ્રી- ટિયર સિક્યુરિટીમાં ફરતો હતો. આમ છતાં પોલીસે તેને શોધીને એન્કાઉન્ટર કરી દીધું છે, એમ શિંદેએ જણાવ્યું હતું.

હું ટૂંક સમયમાં જ ઘાયલ પોલીસોની ખબર પૂછવા જવાનો છું અને આ ઉત્તમ કામગીરી કરનારી ટીમનું સન્માન પણ કરીશ.પોલીસ અને નકસલવાદીઓ વચ્ચે મેરેથોન ચકમકમાં આખરે 26 નકસલવાદીઓને ઠાર કરવામાં ગઢચિરોલી પોલીસ અને સી-60 જનાનોની ટીમને સફળતા મળી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. આ કાર્યવાહી એસપી અંકિત ગોયલ, એડિશનલ એસપી સમીર શેખ અને સોમય મુંડેના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવી છે.

પોલીસના ચાર જવાન ઘાયલ છે, જેમને નાગપુરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.અનેક નાગરિકો, પોલીસોની હત્યા કરનારા અને લાખ્ખો રૂપિયાનું ઈનામ માથે લઈને ફરતા નકસલવાદીઓ વિરુદ્ધ આ વિશેષ કાર્યવાહી છે.

તેમાંય સૌથી ખૂનખાર તેલતુંબડે હતો. તે ત્રણ રાજ્યના નકસલવાદીઓનો નેતા હતો. તે નકસલીઓની કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો. તેને થ્રી- ટિયર સિક્યુરિટી કવચ હતું. મહારાષ્ટ્રમાં તેને માથે રૂ. 50 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. ઉપરાંત અન્ય રાજ્યોએ પણ તેને માથે ઈનામ જાહેર કર્યું હતું, જે ઈનામ હવે આ ટીમને મળશે. આ મહારાષ્ટ્ર સાથે દેશ માટે પણ મોટી વાત છે, એમ શિંદેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...