આક્ષેપ:રાષ્ટ્રવાદીએ મૈત્રીનો હાથ આગળ કરીને પીઠમાં ખંજર ભોંક્યું: કોંગ્રેસ

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પરથી વિવાદ

ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીમાં બિઘાડી થઈ હોવાનું જોવા મળ્યું છે. મૈત્રીનો હાથ આગળ કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. અમારા વિરોધમાં તેઓ સતત તરકીબો અજમાવી રહ્યા છે. આનો જવાબ અમે તેમને ચોક્કસ પૂછીશું, એમ કોંગ્રેસના નેતા નાના પટોલેએ બુધવારે જણાવ્યું હતું. ગોંદિયામાં થયેલી જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં રાષ્ટ્રવાદીએ ભાજપનો સાથ આપ્યો હોવાનો આરોપ કોંગ્રેસે કર્યો છે.

ભંડારા- ગોંદિયા પંચાયત સમિતિની ચૂંટણીમાં રાષ્ટ્રવાદીએ અમારી પીઠમાં ખંજર ભોંક્યું છે. રાષ્ટ્રવાદીએ અનેક ઠેકાણે ભાજપ સાથે યુતિ કરીને સત્તા સ્થાપી. અમારી જયંત પાટીલ અને પ્રફુલ્લ પટેલ સાથે વાત થયા પછી પણ રાષ્ટ્રવાદીએ દરેક ઠેકાણે ભાજપ સાથે યુતિ કરી, એમ પટોલેએ જણાવ્યું હતું.

તુરંત ટીકા યોગ્ય નથીઃ રાષ્ટ્રવાદી
દરમિયાન રાષ્ટ્રવાદીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે નારાજી વ્યક્ત કરતાં જણાવ્યું કે તુરંત આવી છેવટની ભૂમિકા નહીં લેવી જોઈએ. મહારાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે અથવા યોજાશે. સ્થાનિક સ્તરે અમુક ઠેકાણે ઓછુંવધુ થઈ શકે છે, પરંતુ તેથી તુરંત આવી છેવટની ભૂમિકા નહીં લેવી જોઈએ, એમ તેમણે કોંગ્રેસને જવાબ આપતાં જણાવ્યું છે. ગોંદિયામાં આવી પરિસ્થિતિ કઈ રીતે ઉદભવી તેની માહિતી અમે લઈ રહ્યા છીએ. હાલ પ્રફુલ્લ પટેલ વિદેશ ગયા છે. તેઓ પાછા આવ્યા પછી વધુ વિગતો લઈને તેમની સાથે ચર્ચા કરીશું, એમ પણ તેમણે જણાવ્યું હતું.

આવું કઈ રીતે થયું?
ભંડારા જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની યુતિ થઈ છે, જ્યારે તે પછી ગોંદિયા જિલ્લા પરિષદની ચૂંટણીમાં પણ ભાજપ અને રાષ્ટ્રવાદીની યુતિ થયેલી જોવા મળી છે. ભંડારા, ગોંદિયા જિલ્લા પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદ માટે મંગળવારે ચૂંટણી લેવામાં આવી હતી. આ ચૂંટણીમાં રાજ્યમાં સત્તાધારી મહાવિકાસ આઘાડીની કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સામસામે આવી ગયા હતા. એકબીજાને મદદ કરવાને બદલે વિરોધમાં રહેલા ભાજપની મદદથી સત્તામાં ભાગીદારી મેળવી. પટોલેનો ગૃહ જિલ્લો ભંડારા જિલ્લા પરિષદમાં કોંગ્રેસે ભાજપના નારાજ જૂથની મદદથી અધ્યક્ષપદ મેળવ્યું હતું, જ્યારે ગોંદિયામાં રાષ્ટ્રવાદીના નેતા પ્રફુલ્લ પટેલે પટોલેને આંચકો આપીને ભાજપની મદદથી સત્તામાં ભાગીદારી મેળવી.

અન્ય સમાચારો પણ છે...