નાયગાવ પૂર્વ અને પશ્ચિમને જોડતા બહુપ્રતિક્ષિત 1.3 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું કામ પૂરું થવાના આરે છે. એ સાથે જ નાયગાવ-જુચંદ્ર-બોપાને દરમિયાન રસ્તાને પહોળો કરવાનું કામ પણ પૂરું થવામાં છે. આગામી થોડા દિવસમાં આ ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
આ રસ્તો નેશનલ હાઈવે 8 ને જોડવામાં આવ્યો હોવાથી વસઈના રહેવાસીઓનો મુંબઈ આવવાનો પ્રવાસ લગભગ 15 કિલોમીટર ઘટશે. નાયગાવ પૂર્વ અને પશ્ચિમને જોડવા માટે આ ફ્લાયઓવર મહત્વનો છે. આ ફ્લાયઓવર ખાડી ભાગમાંથી જાય છે. એનું કામ 2015માં શરૂ થયું હતું. જોકે પર્યાવરણ વિભાગની પરવાનગી, રેલવે વિભાગ તરફથી રેલવે પાટા પર પુલનું કામ કરવા પરવાનગી મળવામાં વિલંબ થવાથી કામ રખડી પડ્યું હતું.
એમાં કોરોનાને કારણે લાગુ લોકડાઉનથી વધુ વિલંબ થયો. પરિણામે આ 1.29 કિલોમીટર લાંબા પુલનું કામ પૂરું થવા સાત વર્ષનો સમય લાગ્યો. હાલની સ્થિતિમાં આ ફ્લાયઓવરનું અંતિમ તબક્કાનું થોડું ઘણું કામ બાકી છે. આ કામ પૂરું કરીને પુલ થોડા દિવસમાં ખુલલો કરવામાં આવશે. નાયગાવ-જુચંદ્ર-બોપાને રસ્તો અને આ ફ્લાયઓવર મળીને 5.13 કિલોમીટરનો માર્ગ તૈયાર થયો છે. એમાંથી રસ્તાને પહોળો કરવાનું કામ કરવામાં આવ્યું છે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
આ ફ્લાયઓવર માટે લગભગ 85 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વસઈથી મુંબઈ આવતા નાગરિકોએ લાંબો ફેરો લેવો પડતો હતો. આ ફ્લાયઓવરના લીધે મુંબઈ વધુ નજીક આવશે. વસઈ અને મુંબઈ વચ્ચેનું અંતર લગભગ 15 કિલોમીટર જેટલું ઓછું થશે. પ્રવાસના સમયમાં 25 થી 30 મિનિટની બચત થશે.
કોરા કેન્દ્ર પુલ ચોમાસા પહેલાં શરૂ રાહત : દરમિયાન બોરીવલીના એસ વી રોડ પરની ટ્રાફિક જામની સમસ્યા ઉકેલનાર કોરા કેન્દ્ર પુલ ચોમાસા પહેલાં વાહનચાલકો અને રાહદારીઓની સેવામાં શરૂ કરવામાં આવશે. મહાપાલિકાએ 120 કરોડ રૂપિયા ખર્ચીને બાંધેલ આ પુલનું 95 ટકા કામ પૂરું થયું છે. આ પુલ માટે કરવામાં આવનારી લાઈટિંગના કારણે મુંબઈના સૌંદર્યમાં વધારો થશે એવી માહિતી ચીફ બ્રિજ એન્જિનિયર સતીશ ઠોસરે આપી હતી.
હિમાલય પુલ મે 2023 સુધી
14 માર્ચ 2019ના દુર્ઘટના થતા તૂટી પડેલ હિમાલય પુલ હવે નવેસરથી બાંધવામાં આવી રહ્યો છે. વિવિધ કારણોસર આ પુલનું કામ રખડી પડ્યું છે. જાન્યુઆરી 2022થી હિમાલય પુલનું કામ ચાલુ થયું છે અને મે 2023 સુધી રાહદારીઓ માટે શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.