ક્રાઇમ:નાલાસોપારામાં ગુજરાતીની હત્યાઃ પત્ની અને પુત્રી સામે હત્યાનો ગુનો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીના કથિત અનૈતિક સંબંધનો વિરોધ અને આર્થિક વ્યવહારમાંથી હત્યાનો આરોપ

નાલાસોપારામાં પત્નીના કથિત અનૈતિક સંબંધનો વિરોધ કરતા અને આર્થિક વ્યવહારમાંથી પત્નીએ પુત્રી સાથે મળીને પતિને મારી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે મૃતકની પત્ની જશુ (39) અને પુત્રી મોનિકા (23) સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મૃતક સુરેશ જગ્ગા વાઘેલા (46) નાલાસોપારા પૂર્વ હનુમાન નગર વિની રેસિડેન્સી સ્પેસ-2 ખાતે પત્ની, પુત્રી અને પુત્ર સાથે રહેતો હતો. પોલીસ મુજબ મૃતકને પત્નીના ગુજરાતની એક વ્યક્તિ સાથે અનૈતિક સંબંધનો વિરોધ હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત એક જગ્યામાં રૂ. 4 લાખના વ્યવહારમાંથી પણ વિવાદ ચાલતો હતો. 26મી ઓગસ્ટની રાત્રે ઘરમાં ઝઘડો થયો હતો, જેમાં સુરેશનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓનું કહેવું છે કે ઘરમાં ઝઘડો થવાથી ઝપાઝપીમાં સુરેશની છાતીમાં કાચ ઘૂસી જવાથી મૃત્યુ થયું છે.

જોકે પોલીસે તપાસ કર્યા પછી આ મામલો હત્યાનો છે એવું જણાયું હતું. ઉપરાંત સુરેશે ફુલ સ્કેપ નોટ બુકમાં નોંધ લખી રાખી હતી, જેમાં ચાર જણથી પોતાના જાનને જોખમ છે એમ જણાવ્યું છે, જેમનાં નામ પણ લખ્યાં છે. આને આધારે 29 ઓગસ્ટે જસુ અને મોનિકા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે, જ્યારે અન્યોની સંડોવણી અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...