તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપચાર:મહાપાલિકાનો એન્ટીબોડીઝ કોકટેઈલ ઉપચાર પ્રયોગ સફળ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરની પાર્શ્વભૂમિમાં આ પરિણામ દિલાસાદાયક
  • અન્ય દવાઓની તુલનામાં સાઈડ ઈફેક્ટ્સ બિલકુલ નહીં નોંધાઈ
  • ઉપચારનો સમય 13-14 દિવસથી ઘટીને 5-6 દિવસ થયો
  • આ ઔષધોપચારથી મૃત્યુદરમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો

ત્રીજી લહેરને રોકવાની ઉપાયયોજનાના ભાગરૂપ કેસિરિવીમેબ અને ઈમડેવીમેબ એમ બે એન્ટીબોડી દવા મિશ્રણ (એન્ટીબોડીઝ કોકટેઈલ) ઉપચાર પદ્ધતિ પર પ્રયોગ સફળ થયો છે. અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં 200થી વધુ દર્દી પર આ પદ્ધતિથી ઉપચાર કરવામાં આવ્યો. મહાપાલિકાનો આ પ્રાથમિક પ્રયોગ સફળ થવાનું કારણ મિશ્રિત દવા આપ્યા પછી ફક્ત 0.5 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી, જ્યારે મૃત્યુ દરમાં 70 ટકા ઘટાડો થયો છે. આટલું જ નહીં, હોસ્પિટલમાં ઉપચારનો સમયગાળો 13થી 14 દિવસ પરથી ઓછો થઈને 5-6 દિવસ પર આવી ગયો છે.

મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંગ ચહલ, પશ્ચિમ ઉપનગરના એડિશનલ કમિશનર સુરેશ કાકાણી સાથે કુટુંબ કલ્યાણ કમિશનર રામાસ્વામીની આગેવાનીમાં આ નવી ઔષધોપચાર પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. સેવન હિલ્સના વિશેષ કાર્યઅધિકારી ડો. મહારુદ્દ કુંભાર અને ડીન ડો. બાલકૃષ્ણ અડસુળની આગેવાનીમાં તેની અમલબજાવણી કરવામાં આવી રહી છે.

કોવિડગ્રસ્તો પર ઉપચાર માટે અમેરિકામાં નવેમ્બર 2020થી કેસિરિવીમેબ અને ઈમડેવીમેબ એમ બે એન્ટીબોડીદવાના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના માજી રાષ્ટ્રાધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડગ્રસ્ત થયા પછી તેમણે પણ આ જ ઔષધોપચાર લીધો હતો, જે પછી તેમની તબિયત ઝડપથી સુધરી હતી. ભારતમાં 10 મે, 2021ના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસે આ દવાની નોંધણી થઈ છે અને ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ તેને માન્યતા આપી છે.

અનેક બીમારીઓમાં પણ આ દવા ચાલે : આ એન્ટીબોડી કોકટેઈલ 12 વર્ષથી વધુ ઉંમર હોય અને શારીરિક વજન 40 કિલોથી વધુ હોય તેવા કોરોનાગ્રસ્તને આપવામાં આવે છે. સહેજથી મધ્યમ સ્વરૂપનાં લક્ષણો હોય અને ઓક્સિજનની જરૂર નથી પરંતુ તબિયત વધુ બગડવાનું જોખમ છે તેવા જૂથના દર્દીઓને આ દવા અપાય છે. ખાસ કરીને ડાયાબીટીસ, મૂત્રપિંડની બીમારી, હૃદયવિકાર, દમ અને શ્વાસનની અન્ય તીવ્ર બીમારી, હાઈ બ્લડપ્રેશર, સિકલ સેલ, મગજ સંબંધી વ્યાધિ હોય તેમની પર પણ આ ચાલે.

વિગતવાર અભ્યાસ શરૂ કરાયો : 212 કોવિડગ્રસ્તોને આ દવા સલાઈન દ્વારા અપાઈ છે. તેમાંથી 199ના ઉપચારને અંતે તારણો પ્રાપ્ત થયાં છે. તેનો વિગતવાર અભ્યાસ ચાલી રહ્યો છે. 199માં 18-25 વયવર્ષના 101, 45-59 વયવર્ષના 45 દર્દી અને 60 વર્ષથી વધુના 53 દર્દીનો સમાવેશ થાય છે. 74 જણને કમસેકમ એક સહ-માંદગી છે. સર્વ દર્દી સહેજથી મધ્યમ લક્ષણો ધરાવતા હતા. ઉપચાર પૂર્વે 179 જણને તાવ, 158 જણને તાપ સાથે ખાંસી અથવા તાપ નહીં હોય પણ ખાંસીનો ત્રાસ હતો. 4 દર્દીને ઓક્સિજનની જરૂર હતી.

ઓપીડી પદ્ધતિથી પણ દવા આપી શકાય
આ દવા સલાઈનથી આપવામાં એક કલાક પૂરતો છે. તે સમયમાં દર્દી પર સીધું નિરીક્ષણ રાખી શકાય છે. ઓપીડી પદ્ધતિથી પણ આ દવા આપવાનું શક્ય છે. રેમડેસિવિર જેવી દવા અને સ્ટેરોઈડનો ઉપયોગ ટાળીને આ દવા આપવાનું શક્ય હોવાથી ખરા અર્થમાં દિલાસો મળે છે. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ટાળીને, ઓક્સિજન અને અન્ય મોંઘી દવાઓની જરૂર પડતી નહીં હોવાથી આ પદ્ધતિ આર્થિક દષ્ટિથી પણ ફાયદાકારક છે. ઉપરાંત ઓપીડીથી ઉપચાર શક્ય હોવાથી મનુષ્યબળ ઓછું જરૂર પડે છે, જેને કારણે ડોક્ટરો સહિત ફ્રન્ટલાઈન કર્મચારીઓનો તાણ પણ ઓછો થાય છે.

ઉપચારના દિવસ ઓછા થયા
આ દવાથી અસરગ્રસ્તોને ફક્ત 5-6 દિવસ હોસ્પિટલમાં ઉપચાર લેવો પડ્યો, જ્યારે પ્રથમ અને બીજી લહેરમાં દર્દીઓને અંદાજે 13-14 દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું હતું. દર્દી સાજા થવા છતાં વધુ અભ્યાસ અને તબિયતની દેખરેખ રાખવા તેમને વધુ સમય હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. દવા લીધે પછી 48 કલાકમાં દર્દીઓનો તાવ જતો રહ્યો હતો. 199માંથી એક જ દર્દીને ઓક્સિજન આપવું પડ્યું. પ્રથમ અને બીજી લહેરમાં 20 ટકા દર્દીઓને ઓક્સિજન આપવું પડતું હતું. 5 ટકાને આઈસીયુમાં દાખલ કરવા પડતા હતા. વળી, આ દવાથી કોઈને આડઅસર થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...