આયોજન:મુંબઈનો સૌથી મોટો ફેબ્રિક ફેર 10 અને11મી જાન્યુઆરીએ યોજાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 141 વર્ષ જૂના મુંબઈ ટેકસટાઈલ મરચન્ટસ મહાજનનો ઉપક્રમ : ફેરમાં 185 સ્ટોલ હશે

મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજનના ઉપક્રમે ‘‘એમટીએમએમ ફેબ્રિક ફેર-૨૦૨૨’’ તા ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ મુંબઈ ઍરપોર્ટ નજીકની હોટેલ સહારા સ્ટારના સેફાયર બેન્કવેટ હોલમાં યોજાશે. મુંબઈમાં અત્યાર લગી યોજાયેલો આ સૌથી મોટો કાપડનો બીટુબી ફેર બની રહેશે.

મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજન (એમટીએમએમ)ના પ્રમુખ કનુભાઈ પી. નરસાણાએ જણાવ્યું હતું કે ફેરમાં ૧૮૫ સ્ટોલ હશે જે બધા બુક થઈ ગયા છે અને સ્ટોલ બુકિંગ માટે વેપારીઓની પ્રતીક્ષાયાદી પણ મોટી છે. આથી આગામી એમટીએમએમ ફેબ્રિક ફેર જાન્યુઆરી ૨૦૨૩માં મોટા પાયે યોજવાનું અમે નક્કી કર્યું છે. ફેરમાં એક સ્ટોલ એમએસએમઈ (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇસીઝ) માટે અલાયદો રખાયો છે જ્યાં એમએસએમઈને લગતી માહિતી અને માર્ગદર્શન પ્રદર્શનકારોને અને મુલાકાતીઓને મળી રહેશે.

આ ઉપરાંત સીયારામ મિલે ૧૫૦૦ ચોરસ ફિટ કદની મીટિંગ લૉન્જ રાખી છે જ્યાં બિઝનેસ નેટવર્કિંગ સેશન યોજી શકાશે.મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજનના એમિરેટ્સ ચૅરમૅન ધીરજ કોઠારીએ જણાવ્યું હતું કે શહેરમાં ફોર્મલ, કેઝ્યુઅલ, એથનિક, કિડ્સ વેર, યુનિફોર્મ કાપડ, શર્ટિંગ્સ, શૂટિંગ્સ, ડ્રેસ મટીરિયલ્સ, ઇન્ટર લાઇનિંગ, બનારસી કાપડ, ટેન્સિલ એમ્બ્રોઈડર્ડ કાપડ, હેન્ડડાઈડ અને ડાયેબલ કાપડ, મહિલાઓનું વેસ્ટર્ન વેર કાપડ, ફૅન્સી જેકાર્ડ, ફેન્સી દુપટ્ટા, પ્યોર લીનન, લાયકા કાપડ, કુર્તી કાપડ સહિતની કાપડની વિસ્તૃત શ્રેણી પ્રદર્શિત થશે.

નવા શોધાતા ફાઇબર અને યાર્નમાંથી વિકસાવેલી કાપડની જાતો, બામ્બૂ અને ટેન્સિલ કાપડ ઉપરાંત અન્ય વેલ્યુએડેડ કાપડ પ્રદર્શનમાં જોવા મળશે. ડિજિટલ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, સ્ક્રીન પ્રિન્ટ, રોટરી પ્રિન્ટની વિવિધ ડિઝાઇનો અત્રે જોવા મળશે. નવી સ્ટાઈલ, પેટર્ન, અવનવા રંગોની ઇનોવેટિવ રેન્જ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભેટ આપવા કોમ્બો પેક (એક પેન્ટ પીસ અને એક મૅચિંગ શર્ટપીસ) આકર્ષક પેકેજિંગમાં અત્રે જોવા મળશે.

સી વોર્ડમાં કાપડની 10 માર્કેટ
મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ્સ મહાજનના માનદ્મંત્રી સુનિલ જે. મજીઠિયા અને ફેર કમિટીના કન્વિનર ભાવેશ એચ. ગોરડિયાએ જણાવ્યું હતું કે કાપડનો આ ફેર યોજવાનો હેતુ મુંબઈના કાપડ બજારોની રોનક અને ખાસ કરીને ગુમાવેલું ગૌરવ પાછો મેળવવાનો છે. મુંબઈના સી વોર્ડમાં કાપડની નાની મોટી ૧૦ માર્કેટો છે અને ૧૫૦૦૦ કાપડના વેપારીઓ છે. બે દાયકા પૂર્વે જ્યારે કમ્પોઝિટ કાપડની મિલો ધમધમતી હતી ત્યારે મુંબઈ પ્રથમ નંબરનું મેન્યુફેક્ચરિંગ હબ અને ટ્રેડિંગ હબ હતું. કમ્પોઝિટ મિલોનો યુગ આથમ્યા બાદ હવે સુરત પ્રથમ નંબરનું ટેક્સટાઇલ હબ અને અમદાવાદ બીજા નંબરનું ટેક્સટાઇલ હબ બની ગયું છે. મુંબઈ ત્રીજા નંબરે ધકેલાઈ ગયું છે.

10,000 ટ્રેડ મુલાકાતી પધારશે
આમ છતાં મુંબઈ ફૅશન અને વેલ્યુએડેડ કાપડનું જન્મદાતા ગણાય છે વળી ભારતનું સૌથી મોટું પાવરલુમ સેન્ટર ‘ભીવંડી’ જે ૭ લાખ લૂમો ધરાવે છે તે મુંબઇની પાડોસમાં જ છે. બે દિવસની આ મેગા ઇવેન્ટમાં ૧૦ હજારથી વધુ ટ્રેડ મુલાકાતીઓ પધારશે એવી ધારણા છે. આ બીટુબી ફેર હોવાથી આમાં આમજનતાને પ્રવેશ અપાશે નહીં આ ફેર સવારના ૯-૩૦ વાગ્યાથી શરૂ થઈ જશે. મુંબઈ ટેક્સ્ટાઇલ મર્ચન્ટ્સ મહાજનની ફેર કમિટીમાં સુનિલ જે. મજીઠિયા, ભાવેશ એચ. ગોરડિયા, દિવ્યેશ એમ. પંચમતિયા, કાન્તિ જૈન, ભરત મલકાન, આનંદ કોઠારી, આનંદ શારડા અને નિરવ મહેતાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...