કામગીરી:મુંબઈના ડબ્બા ટ્રેડિંગનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો, ગુજરાતના કેટલાક શેરદલાલોની મુખ્ય ભૂમિકા

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શેરબજારના ઈન્ડેક્સના ચડઉતાર સાથે સંબંધિત ડબ્બા ટ્રેડિંગના પ્રકરણના તાણાવાણા ગુજરાત સુધી પહોંચ્યા છે. આ તમામ પ્રકરણમાં ગુજરાતના કેટલાક શેરદલાલોની મુખ્ય ભૂમિકા હોવાનું પ્રાથમિક તપાસમાં નિષ્પન્ન થયું છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલી નોંધ પરથી છેલ્લા સાત મહિનામાં લગભગ 6800 કરોડ રૂપિયાનુંટ ટર્નઓવર થયાનું નિષ્પન્ન થયું હતું. આ તમામ ગેરવ્યવહાર આંગડિયાના માધ્યમથી રોકડમાં થયો અને એમાં કાળા નાણાંનો ઉપયોગ થયો છે. તેથી સેબી અને ઈન્કમટેક્સ વિભાગ પણ આ પ્રકરણમાં સ્વતંત્ર તપાસ કરશે.

ઘાટકોપર પાર્કસાઈટ પરિસરમાં હજારો કરોડ રૂપિયાનું ડબ્બા ટ્રેડિંગ ચાલુ હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચની ઘાટકોપર શાખાને મળી હતી. આ અનુસાર શેરબજાર બીએસઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કિરણ સાવંત અને રાષ્ટ્રીય શેરબજાર એનએસઈના ચીફ મેનેજર પ્રકાશ તન્નાને સાથે લઈને પોલીસે ઈમારતના બે રૂમ પર દરોડો પાડ્યો હતો. ત્યાં 11 જણ શેરની ખરીદી-વેચાણનો વ્યવહાર કરતા હોવાનું જણાયું હતું. બીએસઈ અને એનએસઈ સ્ટોક એક્સચેન્જ પરના શેર્સ અને ઈન્ડેક્સની ચઢઊતર પર સટ્ટો લેવામાં આવતો હતો.

ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી છેલ્લા સાત મહિનામાં સાડા સાત હજાર કરોડના શેરની ખરીદી અને વેચાણ કર્યાનો અંદાજ છે. પોલીસે આરોપીઓ પાસેથી 5 લાખ 90 હજાર રૂપિયા રોકડ, 45 મોબાઈલ, 3 પેનડ્રાઈવ, 5 લેપટોપ, કોમ્પ્યુટર, 7 હાર્ડડિસ્ક અને એક નોટ ગણવાનું મશીન જપ્ત કર્યું હતું.

આ પ્રકરણે રાજેશ પટેલ (33), શૈલેષ નંદા (38), દિનેશ ભાનુશાલી (38) અને મહેશ કટારિયા (38) નામે ચાર શેરદલાલની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ તેમના રોકાણકારો માટે કોડવર્ડવાળા નામનો ઉપયોગ કરતા હતા એમ તપાસમાં જણાયું હતું. પોલીસ આ કોડ નામોને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રકરણની વ્યાપકતા જોતાં કેસને ઈકોનોમિક ઓફેન્સ વિંગ એટલે કે ઈઓડબ્લ્યુને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

કરોડોની મહેસૂલ ડૂબી
આ ટર્નઓવર જોતાં આરોપીઓએ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન, કેપિટલ ગેઈન, સેબી ટર્નઓવર, એક્સચેંજ ટ્રાન્ઝેક્શન જેવા વિવિધ કરના રૂપમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના હજારો કરોડ રૂપિયાની મહેસૂલ ડુબાવી હોવાનો અંદાજ એક અધિકારીએ વ્યક્ત કર્યો હતો. આ વ્યવહાર હજારો કરોડ રૂપિયાના હોવાથી એમાંનાં રૂપિયા ગેરકાનૂની કૃત્યો માટે અથવા ત્રાસવાદી કાર્યવાહી માટે કરવામાં આવતા હતા કે કેમ એની તપાસ પોલીસ કરી રહી છે.

કરોડોમાં વ્યવહાર
એનએસઈ અને બીએસઈના પદાધિકારીઓએ આરોપીઓના કોમ્પ્યુટરની તપાસ કરી ત્યારે આરોપી રાજેશ પટેલ પાસે જુલાઈથી ઓકટોબર 2021ના સમયગાળામાં 4900 કરોડ રૂપિયા અને બીજો આરોપી શૈલેષ નંદા પાસે જૂનથી ઓકટોબર 2021ના સમયગાળામાં 1300 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયાનું જણાયું હતું. ત્રીજો આરોપી દિનેશ ભાનુશાલી પાસે એપ્રિલથી ઓકટોબર 2021ના સમયગાળામાં 639 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે.

અન્ય સમાચારો પણ છે...