તપાસ:ક્રુઝ પર પાર્ટીની પરવાનગી મુદ્દે મુંબઈ પોલીસની પણ તપાસ શરૂ

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈપીસીની કલમ 188નું ઉલ્લંઘન કર્યું કે તેની પણ તપાસ કરાશે

દેરસે આયે દુરસ્ત આયે. આખરે ક્રુઝ પર પાર્ટીને લઈ મુંબઈ પોલીસ પણ સફાળી જાગી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા શનિવારે દરોડા પાડીને ક્રુઝ પર ડ્રગ પાર્ટી કરી રહેલા અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન સહિત કેટલાક જણની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે મુંબઈ પોલીસે પણ આ કેસમાં ઝંપલાવ્યું છે. ખાસ કરીને ક્રુઝ પર પાર્ટી માટે પરવાનગી શા માટે લીધી નહોતી અને આઈપીસીની કલમ ૧૮૮નું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તેની તપાસ મુંબઈ પોલીસે શરૂ કરી છે.

ક્રુઝ પર ડ્રગ પાર્ટીમાં આર્યન ખાન સહિત મોટી હસ્તીઓના નબીરા હોવાથી છેલ્લા ત્રણ દિવસથી આ કેસ જબરદસ્ત ગાજી રહ્યો છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે મુંબઈ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસ ડીજી શિપિંગ, બીપીટી તરફથી આ પ્રકરણની માહિતી ભેગી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ દરેક એજન્સીને તેમની ભૂમિકાઓ વિશે પૂછશે, એમ પોલીસ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.

ક્રુઝ મુંબઈથી નીકળવાની હોવાથી તેની પર યોજાનારા કાર્યક્રમો અંગે અમને જાણ કરવાનું જરૂરી હતું. આ પાર્ટી માટે સંબંધિતોએ અમારી પાસેથી કોઈ પણ જાતની પરવાનગી લીધી નહોતી. મુંબઈમાં મહારાષ્ટ્ર એપિડેમિક એક્ટનાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તે મુજબ જાહેર સ્થળે પાંચથી વધુ લોકો ભેગા થવાની મનાઈ છે. આવા સંજોગોમાં ક્રુઝ પર પાર્ટીના આયોજનમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જોકે નિયમભંગ થયાનું જણાય તો સંબંધિતો સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમ ૧૮૮ અનુસાર ગુનો દાખલ કરી શકાય કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.

આને કારણે ડ્રગ પાર્ટીને લીધે હવે ક્રુઝ પર પાર્ટીના આયોજકો, માલિકોની પણ મુશ્કેલી વધી શકે છે. નોંધનીય છે કે આર્યન અને તેના ફ્રેન્ડ્સને એનસીબીએ કસ્ટડીમાં લીધા છે. તેમની પાસેથી વિવિધ પ્રકારનાં ડ્રગ્સ પણ મળી આવ્યાં છે, જે અંગે તેમની પાસે વધુ તપાસ ચાલુ છે. આ સંબંધમાં એનસીબીએ અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. હવે પોલીસ પણ સંબંધિતોને ભીંસમાં લેવાનું શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...