વ્યવસ્થા:મુંબઈમાં પ્રકલ્પગ્રસ્તો માટે 36 હજાર ઘરની જરૂર : મહાપાલિકા કમિશનર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માહુલ સિવાય ક્યાંય મહાપાલિકા પાસે જમીન નથી

મુંબઈની વિકાસ રૂપરેખા, રસ્તા પહોળા કરવા, નાળા પહોળા કરવાથી લઈને પાણી પુરવઠો અને મળનિસરણ પ્રકલ્પની ઘોષણા મુંબઈ મહાપાલિકા કરે છે. બજેટમાં એના માટે હજારો કરોડ રૂપિયાની જોગવાઈ હોવાનું કમિશનર જણાવે છે. હકીકતમાં મહાપાલિકાએ આ પ્રકલ્પ અમલમાં મૂકવા હોય તો વિસ્થાપિત થનારા પ્રકલ્પગ્રસ્તો માટે ઓછામાં ઓછા 36 હજાર ઘરની જરૂર છે. આ વ્યવસ્થા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મુંબઈ મહાપાલિકા વિકાસકામ કરી શકશે નહીં એવી પરિસ્થિતિ છે.

મહાપાલિકાની બજેટ લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું છે. જોકે પ્રકલ્પગ્રસ્તોના નિવાસની વ્યવસ્થા કરવા માટે પૂરતી જગ્યા મુંબઈમાં ન હોવાથી મોટા ભાગની યોજનાઓ રખડી પડી છે. મુંબઈના વિકાસકામ પ્રકલ્પગ્રસ્તોને ઘર ઉપલબ્ધ કરી આપવાના મુદ્દા પર અટક્યા છે. ઓછામાં ઓછા 36 હજાર ઘરની જરૂર છે. આ યોજના પૂરી થાય ત્યાં સુધી પ્રકલ્પગ્રસ્તોના ઘરની સમસ્યા ઉકેલવા માટે નવું ધોરણ લાવવામાં આવશે એમ મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું.

અંધેરી મોગરા નાળુ, ગોરેગાવ શાસ્ત્રીનગર નાળુ, મલાડ કુરાર વિલેજ નાળુ, બોરીવલી રાજેન્દ્રનગર નાળાથી લઈને ઘાટકોપર વગેરે ઠેકાણાના નાળાઓને પહોળા કરવા ખૂબ જરૂરી છે. એના માટે પર્જન્ય પાઈપલાઈન વિભાગને 15 હજાર ઘરની જરૂર છે. રસ્તા અને પુલ વિભાગને 4 હજાર ઘરની જરૂર છે. મહાપાલિકા અતિરિક્ત આયુક્તે (પ્રકલ્પ) મુંબઈ વિકાસ રૂપરેખાની યોજનાઓ તેમ જ રસ્તા પહોળા કરવા, નાળા પહોળા કરવાથી લઈને મુંબઈ મહાપાલિકાની વિવિધ યોજનાઓનો કયાસ કાઢ્યો હતો.

આ યોજનાઓની અમલબજાવણીમાં ઓછામાં ઓછા 30 હજાર કુટુંબને અસર થશે. આ બધાને પ્રકલ્પગ્રસ્ત તરીકે વૈકલ્પિક ઘર આપવું જરૂરી હોવાથી એના માટે મુંબઈમાં ખુલ્લી જમીન શોધવાનો આદેશ કમિશનર ઈકબાલ સિંહે મહાપાલિકાના તમામ વોર્ડ અધિકારીઓને આપ્યો હતો. લગભગ તમામ વોર્ડ અધિકારીઓએ તેમના વોર્ડમાં ખુલ્લી જમીન ન હોવાનુ જણાવ્યું છે. માહુલ ગામ છોડીને મુંબઈમાં મહાપાલિકા પાસે ઝાઝી ખુલ્લી જમીન ન હોવાથી યોજનાઓ અમલમાં કેવી રીતે મૂકવી એ મોટો પ્રશ્ન છે.

મ્હાડા અને એસઆરએ
મ્હાડા અને ઝૂપડપટ્ટી પુનર્વિકાસ પ્રાધિકરણ (એસઆરએ) પ્રકલ્પગ્રસ્તો માટે રહેઠાણ ઊભા કરે છે. છતાં મ્હાડા ફક્ત તેની કોલોનીના પ્રકલ્પગ્રસ્તો માટે જ ઘર બનાવે છે. એસઆરએએ છેલ્લા છ વર્ષમાં ફક્ત 600 ઘર બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...