રેલવેના પગલે પાલિકાનું પ્રયાણ:મુંબઈ મહાપાલિકાની ઓટોમેટિક ટનલ લોન્ડ્રી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સાથે 30 હજાર દર્દીઓના કપડા ધોવાશે

રેલવેના પગલે હવે મુંબઈ મહાપાલિકા પણ દર્દીઓના કપડા ધોવા માટે પોતાની ટનલ લોન્ડ્રી શરૂ કરશે. એના લીધે સમય, રૂપિયાની બચત થશે. એ સાથે જ કપડાઓની આવરદા વધશે. ઓટોમેટિક ટનલ લોન્ડ્રીમાં એક સાથે 30 હજાર કપડાઓ ધોઈ શકાશે એવી વ્યવસ્થા છે.

મુંબઈ મહાપાલિકાની કેઈએમ, સાયન, નાયર જેવી મુખ્ય હોસ્પિટલોમાં દર્દીઓના કપડા ભોઈવાડા ખાતે મહાપાલિકાની સેંટ્રલ લોન્ડ્રીમાં ધોવા માટે મોકલવામાં આવે છે. 80 ટકા કપડા ભોઈવાડા ખાતેની સેંટ્રલ લોન્ડ્રીમાં અને 20 ટકા કપડા નજીકની ખાનગી લોન્ડ્રીમાં ધોવા માટે આપવામાં આવે છે. જોકે ઘણી વખત ધોવા દરમિયાન આ કપડા ફાટી જાય છે. કપડા ધોવા માટે ઘણો સમય લાગે છે અને રૂપિયા પણ ખર્ચાય છે. તેથી રેલવેના પગલે ટનલ લોન્ડ્રી શરૂ કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે આપી હતી.

મહાપાલિકાની ત્રણ મુખ્ય હોસ્પિટલ, 16 સામાન્ય હોસ્પિટલ અને મેડિકલ કોલેજના દર્દીઓના અંદાજે બેથી અઢી હજાર કપડા દરરોજ ભોઈવાડાની સેંટ્રલ લોન્ડ્રીમાં ધોવા માટે મોકલાય છે. બાકીના કપડા નજીકની લોન્ડ્રીમાં ધોવાય છે. ધોયેલા કપડા બે કે ત્રણ દિવસમાં હોસ્પિટલમાં પાછઆ મોકલવામાં આવે છે. ટનલ લોન્ડ્રીના કારણે એક જ દિવસમાં 30 હજાર કપડા ધોવાશે. રેલવેની સેંડહર્સ્ટ રોડ નજીક વાડીબંદર ખાતે ટનલ લોન્ડ્રી છે જેની એક દિવસની ક્ષમતા 6 ટન કપડા જેટલી છે.

ટનલ લોન્ડ્રીના કારણે ઓટોમેટિક મશીન દ્વારા એક જ સમયે કપડા સેનિટાઈઝ કરીને ધોવામાં આવશે. ધોવાયા બાદ એ સરખી રીતે ઈસ્ત્રી કરવામાં આવશે. તેથી કપડા ફાટવાનું જોખમ ઓછું થશે. કપડા વધુ સમય માટે સારી રીતે ટકશે. એક જ સમયે 30 હજાર કપડા ધોવાશે જેના લીધે સમય અને રૂપિયાની મોટા પ્રમાણમાં બચત થશે એમ મહાપાલિકાના મેડિકલ શિક્ષણ અને મુખ્ય હોસ્પિટલોના સંચાલક ડો. રમેશ ભારમલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...