હાલ તુરંત કાર્યવાહી નહીં:બિગ બીના પ્રતિક્ષા બંગલો પર મુંબઈ મહાપાલિકા તુરંત કાર્યવાહી નહીં કરે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો પહોળો કરવા માટે ઠેકેદાર મળતો નહીં હોવાનું કારણ આપ્યું, લોકાયુક્તે કારણ નકારી કાઢ્યું

બિગ બી અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત પ્રતિક્ષા બંગલો પર મહાપાલિકા દ્વારા હાલતુરંત કાર્યવાહી નહીં કરવામાં આવે એવું મહાપાલિકા દ્વારા લોકાયુક્ત સામે શુક્રવારે સુનાવણીમાં જણાવ્યું છે. તે વિસ્તારનો રસ્તો પહોળો કરવા ઠેકેદાર મળતો નહીં હોવાથી પ્રતિક્ષા બંગલોની દીવાલ પર કાર્યવાહી કરવામાં આવી નથી એવું સ્પષ્ટીકરણ મહાપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે.આગામી નાણાકીય વર્ષમાં કમ્પાઉન્ડ વોલ તોડીને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એમ મહાપાલિકાએ જણાવ્યું છે. કોંગ્રેસનાં નગરસેવિકા ટ્યુલિપ મિરાંડા દ્વારા આ સંબંધમાં લોકાયુક્તપાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મહાપાલિકા 2017થી રસ્તો પહોળો કરવા માટે અમિતાભ પાસેથી જમીન કબજામાં લેવામાં નિષ્ફળ નીવડી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.મુંબઈ મહાપાલિકા ધારાની કલમ 299 હેઠળ 2017માં બંગલોના પ્લોટ માટે નોટિસ આપવામાં આવી હતી. રસ્તાની લાઈનને લઈ અમુક સમસ્યા હતી, જેથી 2019માં લેન્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા નવેસરથી સર્વેક્ષણ કરાયું હતું.

અમિતાભે બંગલોની બહારની 230 ચોરસમીટર જગ્યા રસ્તો પહોળો કરવા માટે આપવાની રહેશે. તેમણે કમ્પાઉન્ડની દીવાલ 2થી 3 મીટર ખસેડવી પડશે. આ હસ્તાંતરણમાં બંગલોની ખુલ્લી જગ્યા અને સિક્યુરિટી કેબિન જશે, એમ કે-વેસ્ટ વોર્ડના આ. મ્યુનિ. કમિશનર પૃથ્વીરાજ ચવાણે લોકાયુક્ત પાસે અહેવાલમાં જણાવ્યું છે.

આગામી સુનાવણી જાન્યુઆરીમાં થશે
દરમિયાન મિરાંડાએ જણાવ્યું કે 2019માં મહાપાલિકાએ અમિતાભના બંગલોની આસપાસની ઈમારતોની સંકુલોની કમ્પાઉન્ડ વોલ તોડીને જમીનનો હિસ્સો લઈ લીધો છે. જોકે પ્રતિક્ષા બંગલોને હાથ લગાડ્યો નથી. રસ્તો પહોળો કરવા જમીન હસ્તાંતરણ કરવા પૂર્વે ઠેકેદારની વાટ જોવામાં આવી રહી છે એવું અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતું. લોકાયુક્તે મહાપાલિકાના અહેવાલને સ્વીકાર્યો નથી અને જાન્યુઆરીમાં આગામી સુનાવણીમાં એડિશનલ કમિશનર પાસે જવાબ માગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...