તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અંતિમસંસ્કાર પર મુંબઈ મહાપાલિકાનો કરોડોનો ખર્ચ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાકાળમાં એક દર્દીના અંતિમસંસ્કાર કરવા માટે લગભગ સાડા છ હજાર રૂપિયા ખર્ચ

છેલ્લા દોઢ વર્ષથી મુંબઈ મહાપાલિકા કોરોનાને જડમૂળથી ઉખેડી નાખવા વિવિધ સ્તરે પ્રયત્નો કરી રહી છે. કોરોનાને નિયંત્રણમાં લાવવા મહાપાલિકાને સફળતા મળી છે. જોકે આમ કરતા મહાપાલિકાને વિવિધ ઘટકો પર પાણીની જેમ રૂપિયા વહાવવા પડ્યા છે. કોરોનાના દર્દીઓના મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે મુંબઈ મહાપાલિકાએ દોઢેક વર્ષમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોનાના એક દર્દીના અંતિમસંસ્કાર કરવા માટે લગભગ સાડા છ હજાર રૂપિયા ખર્ચ કરવો પડે છે. એ પ્રમાણે હિસાબ કરીએ તો કુલ ખર્ચ કરોડોમાં થયો છે.

મુંબઈ મહાપાલિકા તરફથી મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે 300 કિલો લાકડા મફત આપવામાં આવે છે. 300 કિલોથી વધુ લાકડાની જરૂર પડે તો એના માટે રૂપિયા ચુકવવા પડે છે. મોટા ભાગના કોરોના મૃતદેહો પર ઈલેકટ્રીક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવે છે. જોકે ઈલેકટ્રીક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવતા હોવાથી અનેક ઠેકાણે આ ભઠ્ઠીઓ કોઈક કારણોસર બંધ પડી રહી હોવાની ફરિયાદો મળતી હતી એમ સ્વાભિમાની ભારતીય પેઁથરના રાષ્ટ્રીય અધ્યક્ષ અંકુશ કુરાડેએ જણાવ્યું હતું.

મુંબઈના મોટા ભાગના સ્મશાનગૃહોમાં ઈલેકટ્રીક ભઠ્ઠીઓ નથી. શરૂઆતમાં કોરોનાના દર્દીઓના મૃતદેહના અંતિમસંસ્કાર ઈલેકટ્રીક ભઠ્ઠીમાં કરવામાં આવતા હતા પણ હવે લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત થોડા દિવસ પહેલાં કોરોના દર્દીના અંતિમસંસ્કાર કરવાના સમયે સ્મશાનભૂમિના કર્મચારીઓ પીપીઈ કિટ પહેરતા હતા. હવે પીપીઈ કિટ પહેરવામાં આવતી નથી. મૃતદેહના અંતિમસંસ્કાર કરતા કર્મચારીઓ કોન્ટ્રેક્ટ પદ્ધતિ પર નિમવામાં આવે છે. તેમને રૂ. 18,000 પગાર આપવામાં આવે છે.

જોકે કોન્ટ્રેકટર તરફથી તેમને આટલા રૂપિયા આપવામાં આવતા નથી. કામદારોને રૂ. 18,000માંથી માંડ રૂ. 8000 આપવામાં આવે છે. લાકડાનો દર કિલોદીઠ 8.50 : મુંબઈ મહાપાલિકા મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે 300 કિલો લાકડા આપે છે. 300 કિલોથી વધુ લાકડાની જરૂર પડે તો એના માટે રૂપિયા લેવામાં આવે છે. એક કિલો લાકડાના રૂ. 8.50 પ્રમાણે ગણીએ તો 300 કિલો લાકડાના અઢી હજાર રૂપિયા થાય છે. પીપીઈ કિટની કિંમત રૂ. 1500 : કોરોનાના દર્દીના મૃતદેહ પર અંતિમસંસ્કાર કરવા માટે ઓછામાં ઓછા ત્રણ કામદાર સ્મશાનભૂમિમાં હોય છે.

આ બધા પીપીઈ કિટ પહેરે છે. વાપરો અને ફેંકી દો પ્રકારની એક પીપીઈ કિટની કિંમત રૂ. 500 પ્રમાણે ત્રણ પીપીઈ કિટની કિંમત રૂ. 1500 થાય છે. લેબર ચાર્જ રૂ. 2500 : સ્મશાનભૂમિમાં કામ કરતા એક કામદારનો લેબર ચાર્જ રૂ. 800 છે. ત્રણ કામદારોના કુલ રૂ. 2400 થાય. એમાં મેઈનટેનન્સ અને રિપેરીંગનો ખર્ચ ગણીએ તો આ ખર્ચ રૂ. 2500 થાય છે. કુલ ખર્ચ રૂ. 6500 : લાકડા, પીપીઈ કિટ, લેબર ચાર્જ જેવી અનેક બાબતો પર ખર્ચનો હિસાબ કરીએ તો કોરોનાના એક મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માટે મુંબઈ મહાપાલિકા લગભગ રૂ. 6500 ખર્ચ કરે છે.

હવે અંતિમસંસ્કાર માટે સ્મશાનભૂમિમાં આવતા મૃતદેહ કાળા રંગના પ્લાસ્ટિકમાં પેક કરીને લાવવામાં આવતા હોવાથી સ્મશાનભૂમિના કર્મચારીઓ પીપીઈ કિટ પહેરતા નથી એવું સ્પષ્ટીકરણ પ્રશાસને આપ્યું હતું. દેખરેખ અને સુવિધાઓ : સ્મશાનભૂમિમાં આવતા મૃતકના સગાસંબંધીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેસવાની વ્યવસ્થા, પીવાનું પાણી, હાથપગ ધોવા માટે પાણી, શૌચાલય, વગેરે સેવા-સુવિધાઓ પણ આપવામાં આવે છે. પારંપારિક પદ્ધતિથી અંતિમસંસ્કાર કરવા લાકડા પણ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે.

તેમ જ સ્મશાનભૂમિમાં વાતાવરણ સ્વચ્છ રહે એ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. સ્મશાનભૂમિમાં આપવામાં આવતી સુવિધાઓ નિયમિત રહે એ માટે દેખરેખ રાખવામાં આવે છે. ઈલેકટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં 24 કલાકમાં 8 અંતિમસંસ્કાર : ઈલેકટ્રીક અથવા ગેસની ભઠ્ઠીમાં એક મૃતદેહ પર અંતિમસંસ્કાર કર્યા પછી આ ભઠ્ઠી થોડા સમય માટે બંધ રાખવામાં આવે છે.

કયારેક એ જરૂરી મેઈનટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે. આ બધી બાબતો ધ્યાનમાં લેતા એક ઈલેકટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં 24 કલાકમાં લગભગ 8 મૃતદેહના અંતિમસંસ્કાર કરી શકાય છે. પારંપારિક પદ્ધતિ અનુસાર લાકડા વાપરીને કરવામાં આવતા અંતિમસંસ્કાર માટે દરેક ચિતાની મહતમ ક્ષમતા 24 કલાકમાં લગભગ 6 મૃતદેહ પર અંતિમસંસ્કાર કરવાની છે.

24 કલાક અને 1458 અંતિમસંસ્કાર
મુંબઈ મહાપાલિકા દ્વારા 46 ઠેકાણે પારંપારિક સ્મશાનભૂમિ સહિત ઈલેકટ્રીક કે ગેસ ભઠ્ઠીવાળી સ્મશાનભૂમિઓ છે. પારંપારિક પદ્ધતિથી અંતિમસંસ્કાર કરવા માટે 46 ઠેકાણે 219 ચિતાઓ છે. 11 ઠેકાણે ઈલેકટ્રીક કે ગેસની ભઠ્ઠી છે. 24 કલાકમાં 1458 મૃતદેહના અંતિમસંસ્કાર કરવાની ક્ષમતા છે.

વ્યવસ્થાપન સંવેદનશીલતાથી
મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં કોરોનાગ્રસ્ત દર્દીનું કમનસીબે મૃત્યુ થાય તો એના પર યોગ્ય રીતે અંતિમસંસ્કાર થાય એ માટે મહાપાલિકાએ સ્મશાનભૂમિ વ્યવસ્થાપન માટે સ્વતંત્ર કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ ગયા વર્ષથી કાર્યાન્વિત કરી છે. એ સાથે જ કબ્રસ્તાનમાં અંતિમસંસ્કાર બાબતે પણ મહાપાલિકા સુયોગ્ય નિયોજન અને વ્યવસ્થાપન સંવેદનશીલતા સાથે કરે છે.

અન્ય સમાચારો પણ છે...