લેણાં હજુ ચૂકવ્યાં નથી:મુંબઈ મહાપાલિકાને સરકાર પાસેથી રૂ. 6583.71 કરોડનાં લેણાં નીકળે છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર GSTનું વળતર આપતી નથી એવી ફરિયાદ કરનાર રાજ્ય સરકારે લેણાં હજુ ચૂકવ્યાં નથી

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સામે મળવું જોઈતું વળતર હજુ મળ્યું નથી એવી વારંવાર ફરિયાદ કરનારી રાજ્ય સરકારે મુંબઈ મહાપાલિકાના છ હજાર કરોડ લેણાં હજુ ચૂકવ્યાંનથી. ઉપરાંત આ મુદ્દા પર રાજ્ય સરકારે મૌન સેવ્યું છે. એક સામાજિક કાર્યકરે આ દાવો કર્યો છે.એક અહેવાલ અનુસાર ભારતના ઓડિટર એન્ડ કોમ્પટ્રોલર જનરલે (કેગ) જણાવ્યું છે કે મહાપાલિકાને રાજ્ય સરકાર પાસેથી રૂ. 6583.71 કરોડનું અનુદાન અને કર મળ્યાં નથી. મોટે ભાગે આ રકમ રાજ્યના ગૃહનિર્માણ, સાર્વજનિક, આરોગ્ય, ગૃહ, શિક્ષણ, મહેસૂલ અને વન, જાહેર બાંધકામ અને નગર વિકાસ વિભાગ સાથે સંબંધિત છે.

મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે રાજ્યના અર્થ વિભાગના વધારાના મુખ્ય સચિવને લેણી રકમ બાબતે પત્ર લખ્યો છે. ઉપ- સચિવે આ પત્રનો ઓક્ટોબર 2021માં ઉત્તર આપ્યો હતો. તેમણે તેમાં જણાવ્યું હતું કે લેણી રકમ મેળવવા માટે મહાપાલિકાએ સંબંધિત વિભાગને જણાવવું જરૂરી છે.મુંબઈ મહાપાલિકાના 2022-23ના નાણાકીય વર્ષના બજેટના ભાષણમાં ચહલે જણાવ્યું હતું કે મહાપાલિકાને ચાલુ પ્રકલ્પોના વધતા ખર્ચ માટે, અનિવાર્ય કામો માટે મોટા ભંડોળની આવશ્યકતા છે. તેના ઉપાય તરીકે તેમણે અંતર્ગત કરજ દ્વારા રૂ. 4998 કરોડ ઊભા કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

કોના પાસેથી કેટલી રકમ બાકી
રાજ્ય સરકાર પાસે મહાપાલિકાને રૂ. 6583.71 કરોડનું લેણું નીકળે છે. કેગના અહેવાસ અનુસાર રૂ. 5586.22 કરોડ અનુદાન, રૂ. 989.89 કરોડ માલમતા અને પાણીવેરો અને જુલાઈ 2021 સુધી મહાપાલિકાએ રાજ્ય માટે ભેગા કરેલા વિવિધ ઉપકર પર રૂ. 7.6 કરોડની છૂટ એમ એકંદરે રૂ. 6583.71 કરોડનાં લેણાં સરકારે ચૂકવ્યાં નથી.

સામાન્ય નાગરિકો પર કાર્યવાહી
બાકી લેણાં વસૂલ કરવાની મહાપાલિકાની ઉદાસીનતાની ટીકા કરવામાં આવી રહી છે. કર ભરાનારા નાગરિકો પર મહાપાલિકા કઠોર કાર્યવાહી કરે છે. મહાપાલિકાએ આવા નાગરિકોનો પાણી પુરવઠો, વીજ પુરવઠો બંધ કર્યો છે. અમુક પ્રકરણમાં માલમતા પણ જપ્ત કરવામાં આવી છે. જોકે સરકારી અધિકારીઓ પાસેથી લેણી રકમ વસૂલ કરવાની વાત આવે ત્યારે મહાપાલિકા ફક્ત પત્ર મોકલે છે, એમ સામાજિક કાર્યકર્તા ગોડફ્રે પિમેન્ટાએ જણાવ્યું હતું. મહાપાલિકાને ભંડોળ ઊભું કરવા માટે કરજ લેવાની જરૂર છે? તેમણે રાજ્ય સરકાર પાસેથી લેણી વસૂલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

સ્થાનિક સંસ્થાને વધુ સત્તાની જરૂર
રાજ્ય સરકાર કેન્દ્ર પાસેથી આશરે રૂ. 27,000 કરોડ જીએસટી લેણું હોવાની ફરિયાદ કરે છે. જોકે પોતાની જ મહાપાલિકાનાં લેણાં ભરતી નથી. મહાપાલિકાની તે અવગણના કરે છે એમ જણાય છે. ઉચ્ચ સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરવા મહાપાલિકાને વધુ સત્તાની જરૂર છે, એમ અન્ય એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...