રાણા દંપતીની મુશ્કેલી વધી રહી છે. અપક્ષ સાંસદ નવનીત રાણા પર લીલાવતી હોસ્પિટલમાં એમઆરઆઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે વિડિયોગ્રાફી કઈ રીતે કરવામાં આવી તેની તપાસ કરવા શિવસેનાના મોવડીમંડળે મંગળવારે બાંદરા પોલીસમાં ફરિયાદ કરી હતી. બીજી બાજુ મહાપાલિકા દ્વારા તેમના ખારના ફ્લેટમાં અનધિકૃત બાંધકામ માટે અનેક વાંધા કાઢવામાં આવ્યા છે. મંગળવારે શિવસેનાનાં વિધાનસભ્ય મનીષા કાયંદે, ભૂતપૂર્વ મેયર કિશોરી પેણેકર, રાહુલ કનાલે બાંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાણાના બોડીગાર્ડને ખાનગી હોસ્પિટલમાં શસ્ત્રો સાથે પ્રવેશ કઈ રીતે આપવામાં આવ્યા તેની પણ તપાસની માગણી કરી છે.
શિવસેનાનો આરોપ છે કે હોસ્પિટલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.દરમિયાન મહાપાલિકાના એચ-વેસ્ટ વોર્ડે રાણાના દંપતીના ખાર વેસ્ટ, પ્લોટ 412, 14મો રોડ, લેવી બિલ્ડિંગ, 8મા માળના ફ્લેટમાં અનધિકૃત બાંધકામો કર્યાં હોવાની નોટિસ આપી છે. કથિત અનધિકૃત બાંધકામ હટાવવામાં કેમ નહીં આવવું જોઈએ તે અંગે સાત દિવસમાં જવાબ નોંધાવવા જણાવયું છે. જો સાત દિવસમાં જવાબ નહીં આપે તો કથિત અનધિકૃત ભાગ મહાપાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે, જેનો ખર્ચ રાણાએ ઉઠાવવાનો રહેશે.
ઉપરાંત આ ગુનો કેદ અને દંડ સાથે સજા સાથે દંડપાત્ર છે એમ પણ જણાવવામાં આવ્યું.કુલ દસ વાંધા કાઢવામાં આવ્યા છે : રાણા દંપતીના ફ્લેટમાં દસ વાંધા કાઢવામાં આવ્યા છે. લિફ્ટની બાજુની ખાલી જગ્યા ફ્લેટ સાથે વિલીન કરીને ટોઈલેટમાં ફેરવવામાં આવી છે. પૂજા રૂમ કિચન સાથે વિલીન કરાયો છે અને આખો લિવિંગ રૂમમાં ફેરવવામાં આવ્યો છે. લોબી એરિયા વસાહતક્ષમ જગ્યા સાથે વિલીન કરાયો છે. ઢળતી છતને સપાટ કરીને બાજુના બેડરૂમ સાથે વિલીન કરાઈ છે.
ઢળતી છતની બાજુમાં જગ્યા બાલ્કનીમાં ફેરવવામાં આવી છે. લિવિંગ રૂમને કિચન અને બેડરૂમમાં વહેંચી દેવાયો છે. બાલ્કનીને બાજુના બેડરૂમ અને કિચન સાથે જોડી દેવાયા છે. ટોઈલેટ અને દક્ષિણ પશ્ચિમ બાજુની ખાલી જગ્યાને બેડરૂમ સાથે જોડવામાં આવી છે. એલીવેશન પ્રોજેકશન્સને બાજુના બેડરૂમ અને લિવિંગ રૂમ સાથે જોડવામાં આવ્યા છે. પશ્ચિમ બાજુના બે બેડરૂમ વિલીન કરાયા છે.
પોલીસે વિશેષ કોર્ટમાં અરજી કરી છે
એમવી કદમ નામે અધિકારી દ્વારા નકશા સાથે આ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. આથી રાણા દંપતી હવે શું પગલાં લે છે તે જોવું રહ્યું. સોમવારે મુંબઈ પોલીસે વિશેષ કોર્ટમાં રાણા દંપતીએ શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમના જામીન રદ કરવા માટે અરજી કરી છે. સોમવારે શિવસેનાના મોવડીઓ એમઆરઆઈ પ્રક્રિયા હાથ ધરતી વખતના રાણાના વિડિયો અને તસવીરો કઈ રીતે લેવામાં આવ્યા તે જાણવા હોસ્પિટલમાં પણ ગયા હતા.
મોદી અને શાહને ફરિયાદ કરશે
દરમિયાન રાણા દંપતીએ જેલમાં હતા ત્યારે મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા અયોગ્ય વર્તણૂક કરવામાં આવી હતી તે મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરિયાદ કરવામાં આવશે એમ જણાવ્યું છે. દરમિયાન મનીષા કાયંદેએ જણાવ્યું કે અમે રાણા પ્રકરણે રાજ્યના ગૃહમંત્રીને પણ ફરિયાદ કરીશું. ઉપરાંત હોસ્પિટલ ચેરિટી કમિશનર હેઠળ આવતી હોવાથી ત્યાં પણ મામલો લઈ જઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.