કામગીરી:મીરા રોડમાં નવજાતને કાર નીચે છોડીને ગયેલી માતાની ધરપકડ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દીકરી જન્મતાં પતિ ઠપકો આપશે એવું વિચારી માતાનું નિર્દયી કૃત્ય

મીરા રોડના નયાનગરમાં કાર હેઠળ મળી આવેલું તાજું જન્મેલું નવજાતનું કોકડું પોલીસે ઉકેલી કાઢ્યું છે અને 19 વર્ષીય માતાની ધરપકડ કરી છે. મીરા- ભાયંદર વસઈ- વિરાર પોલીસની કાશીમીરા ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. મંગળવારે રાત્રે શાંતિનગર વિસ્તારમાં કાર હેઠળ આ નવજાત બાળા મળી આવી હતી. પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સ્વસ્થ છે. નયાનગર પોલીસને 4 જાન્યુઆરીના રોજ મીરા રોડના શાંતિનગરમાં પાર્ક કરેલી અર્ટિગા કાર હેઠળ નવજાતનો રડવાનો અવાજ આવે છે એવી માહિતી મળી હતી.

પોલીસે તુરંત દોડી જઈને નવજાતને ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં હવે સ્વસ્થ છે.દરમિયાન પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. એક ડઝનબંધ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને રહેવાસીઓની પૂછપરછ કરી હતી. સિનિયર પીઆઈ અવિરાજ કુરાડ, હિતેન્દ્ર વિચારેની આગેવાનીમાંટીમે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજમાંથી સૌપ્રથમ કડી મળી આવી હતી. તેમને એક ફૂટેજમાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા અને વધુ ફૂટેજ સ્કેન કરતાં આખરે એક મહિલાને ચાલતી વખતે પ્રસૂતિની પીડા ઊપડેલી જોઈએ.

તે પીડાથી કણસતી હતી અને આખરે એક પાર્ક કરેલી કાર નજીક નવજાતને જન્મ આપ્યો હતો.પોલીસે સ્થાનિકોને સીસીટીવી ફૂટેજમાંથી ફોટો બતાવતાં તે પતિ, બહેન અને સાળા સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. થોડા મહિના પૂર્વે તે કોલકતાથી પતિ સાથે મુંબઈ આવી હતી, જે પછી અમુક કામને લઈ તેનો પતિ ફરી કોલકતા નીકળી ગયો હતો.

પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે તેણે નવજાતની નાડ પોતાના હાથથી જ કાપી નાખી હતી અને ત્યાર પછી નવજાતને કાર હેઠળ છોડીને જતી રહી હતી. દીકરી થતાં પતિ બૂમ મારશે એવું ધારીને તેણે આ નિર્દય કૃત્ય કર્યું હતું. મહિલાની ધરપકડ કરીને નયાનગર પોલીસને સોંપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...