ધાર્મિક સ્થળો ખાતે લાઉડસ્પીકર વગાડવા બાબતે વાદવિવાદ ઊભો થતાં શિર્ડી સાઈબાબા સંસ્થાને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંદિરમાં પરોઢિયે થતી કાકડ આરતી અને રાત્રે થકી આરતીના સમયે મંદિર પરનાં લાઉડસ્પીકર નહીં વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારથી જ તેની અમલબજાવણી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત શહેરનાં અન્ય ઘણાં બધાં ધાર્મિક સ્થળોએ પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન આ મુદ્દા પરથી રાજ ઠાકરે પર નિશાન સાધતાં સંજય રાઉતે ટ્વીટ કર્યું કે ભૂંગળાબાજ રાજકારણીઓએ હિંદુત્વનું પણ ગળું ઘોંટ્યું છે. શિર્ડી અને ત્ર્યંબકેશ્વર સહિત અનેક તીર્થસ્થાનો પર લાઉડસ્પીકર બંધ કરાતાં પરોઢિયાની કાકડ આરતીનો આનંદ ભાવિકો લઈ શક્યા નહીં. મંદિરમાં કાકડ આરતી વર્ષોવર્ષ લાઉડસ્પીકર દ્વારા પંચક્રોશીમાં સાંભળવામાં આવે છે, એમ કહીને રાઉતે રાજ ઠાકરે પર દોષનો ટોપલો ઓઢવાનો પ્રયાસ કર્યો છે.સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને આરજી લાઉડસ્પીકર પર વગાડવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, એમ મુખ્ય કાર્યકારી અધિકારી ભાગ્યશ્રી બાનાયતે જણાવ્યું હતું. વર્ષોથી સવારે 5.00 વાગ્યે ભૂપાળી અને 5.15 વાગ્યે કાકડ આરતી કરાય છે, જ્યારે રાત્રે 10.00 વાગ્યે શેજારતી થાય છે.
સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ આ પરંપરા ચાલુ જ હતી. જોકે બુધવારથી તે બંધ કરવામાં આવી છે. શિર્ડી પોલીસે તેમની હદમાં સર્વ ધાર્મિક સ્થળોને આ આદેશનું પાલન કરવા સૂચના આપી હતી. તે અનુસાર સાઈ મંદિર સહિત સર્વ ધાર્મિક સ્થળો ખાતે સવારે અને રાત્રે લાઉડસ્પીકર નહીં લગાવવાનો નિર્ણય લીધો છે.
શિર્ડી સર્વધર્મીઓનું શ્રદ્ધાસ્થાન છે. અહીં આરતીઓ સ્પીકર પર વગાડવા સામે આજ સુધી કોઈએ વાંધા ઉઠાવ્યો નથી. જોકે હાલમાં ચાલતા વિવાદ બાદ સ્પીકર પર આરતી વગાડવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે બપોરની આરતી અને સર્યાસ્તસમયે ધુપારતીના સમયે સ્પીકર ચાલુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.