હિંદુત્વના મુદ્દા પર લડત ચલાવ્યા પછી કલ્યાણ ડોંબિવલીના ગ્રામીણ વિસ્તારમાં પાણી પ્રશ્ને મનસે અને ભાજપ સોમવારે એકત્ર આવીને આક્રમક બનેલા જોવા મળ્યા હતા. પાણીપ્રશ્ને કલ્યાણ ડોંબિવલી મહાપાલિકા (કેડીએમસી) મુખ્યાલય પર મનસેના વિધાનસભ્ય રાજુ પાટીલ અને ભાજપના વિધાનસભ્ય રવીંદ્ર ચવ્હાણની આગેવાનીમાં મોટો મોરચો કાઢીને બેઠકમાં કેડીએમસી, એમઆઈડીસીના અધિકારીઓને ભીંસમાં લીધા હતા.
કલ્યાણ- ડોંબિવલના 27 ગાંમનો પાણીપ્રશ્ન ગંભીર બન્યો છે. મહાપાલિકા, એમઆઈડીસી આ મહત્ત્વના પ્રશ્ને ધ્યાન આપતી નથી. આથી કલ્યાણ ગ્રામીણ વિસ્તારમાં પાણીપ્રશ્ન પરથી મનસેએ કેડીએમસી મુખ્યાલય પર સોમવારે હાંડા મોરચો કાઢ્યો હતો. તેને ભાજપે પણ ટેકો આપ્યો હતો. કલ્યાણ પશ્ચિમમાં સર્વોદય મોલથી શરૂ થયેલા આ આંદોલનમાં મનસે અને ભાજપના અનેક નગરસેવકો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ સમયે કેડીએમસીના કમિશનર ડો. વિજય સૂર્યવંશી વિરુદ્ધ જોરદાર ઘોષણા બાજી કરવામાં આવી હતી. કેડીએમસી મુખ્યાલય પર મોરચો લઈ ગયા પછી શિષ્ટમંડળ અને પ્રશાસન વચ્ચે ચર્ચા થઈ હતી. જોકે આ બેઠકમાં સૂર્યવંશી અને એમઆઈડીસીના અધિકારી હાજર નહોતા. આને કારણે પાટીલ અને ચવ્હાણ વધુ રોષે ભરાયા હતા.
હજારો નાગરિકોને સતાવતા પાણીપ્રશ્નનો ઉકેલ લાવવા માટે કેડીએમસી અધિકારી બિલકુલ ગંભીર નથી એમ તેમણે જણાવ્યું હતું.વિધાનસભ્યપદ ખાડામાં જાય, લોકોના પ્રશ્ન પ્રશાસન ગંભીરતાથી નહીં લે તો અમને મોંઘું પડશે. આપણને શરમ આવવી જોઈએ. પ્રશાસકીય ઈમારતને તાળાં મારીને બહાર ઊભા રહીશું, જોઈએ કોણ આવે છે, એમ રાજુ પાટીલે જણાવ્યું હતું.
27 ગામોને દુકાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ એવી માગણી પણ તેમણે કરી હતી.રવીંદ્ર ચવ્હાણ પણ રોષે ભરાયા હતા. પ્રશાસકીય કાર્યવાહી અમને શીખવો નહીં, હોશિયારી મારશો નહીં, તમારી ચરબી વધી ગઈ છે. અમને બેવકૂફ સમજો છો, પાણી પુરવઠા બાબતે ધોરણાત્મક નિર્ણય હોવા છતાં તેની અમલબજાવણી કરવામાં શું અડચણ છે? એવો પ્રશ્ન પૂછીને અધિકારીઓને ભીંસમાં લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.