બેદરકારીથી વાહન હંકારીને મહિલા કોન્સ્ટેબલને ઈજા પહોંચાડવા માટે મનસે નેતા સંદીપ દેશપાંડેના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે રાત્રે શિવાજી પાર્ક પોલીસે આ કાર્યવાહી કરી હતી. બુધવરે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને લાઉડસ્પીકર પર અઝાન પઢવામાં આવે તો તેની સામે બમણા અવાજે હનુમાન ચાલીસા લગાડવા માટે જણાવ્યું હતું, જેને લીધે મામલો તંગ બન્યો હતો. દેશપાંડે બપોરે શિવાજી પાર્કમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેના નિવાસસ્થાન શિવતીર્થમાં ગયા હતા.
મિટિંગ પછી ઠાકરે અને દેશપાંડે મિડિયા સાથે વાત કરતા હતા ત્યારે પોલીસ ટીમે આવીને દેશપાંડેને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દેશપાંડે ઝડપથી એસયુવીમાં બેઠા હતા અને ત્યાંથી કારમાં નીકળી ગયા હતા.આ ધાંધલ વચ્ચે મહિલા કોન્સ્ટેબલ નીચે પડી હતી અને તેને નજીવી ઈજા થઈ હતી. આ પછી દેશપાંડે, સંતોષ ધુરી, સંતોષ સાલી અને દેશપાંડેના ડ્રાઈવર સામે બેદરકારીથી વાહન હંકારીને ઈજા માટે કારણભૂત બનવાનો અને પોલીસને ફરજ બજાવવાથી અટકાવવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં સંતોષ સાલીની ધરપકડ કરવામાં આવી છે. હવે ડ્રાઈવરની ધરપકડ પછી દેશપાંડે અને ધુરીને પોલીસ શોધી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.