મુંબઈ સેશન્સ કોર્ટમાં મનસે નેતા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીની આગોતરા જામીનની અરજી પર સુનાવણી મંગળવારે પૂરી થઈ. કોર્ટે 19 મેના નિર્ણય આપશે એમ જણાવ્યું હતું. મનસે નેતા સંદીપ દેશપાંડે વતી એડવોકેટ સુજિત જગતાપે દલીલ કરી હતી.સુનાવણી દરમિયાન સ્થાનિક ડીસીપી પ્રણય અશોક પણ કોર્ટ રૂમમાં હાજર હતા. સંદીપ દેશપાંડેની જામીન અરજીનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દેશપાંડેને જામીન આપવાથી પોલીસ તપાસમાં અવરોધ પેદા થઈ શકે છે.
ગુનો નોધવામાં આવ્યો છે તે બંને રાજકીય નેતાઓ છે, એવી દલીલ સરકારી પક્ષે કરી હતી.મનસેના વકીલ સયાજી નાંગરેએ દલીલ કરતાં કોર્ટને જણાવ્યું હતું કે, મારા અસીલને કલમ 149 હેઠળ નોટિસ આપી, જેનો તેમણે આદર કર્યો. તેઓ રાજ ઠાકરેના નિવાસસ્થાને ગયા હતા. તે સમયે જે બન્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે, તેમણે પોલીસને કોઇ રીતે ધક્કો માર્યો નહોતો. પોલીસ પાછળ દોડ્યા ત્યારે ડ્રાઈવરે કાર ભગાડી મૂકી તે સમયે મહિલા પોલીસ પડી ગઈ હતી.
રાજ્ય સરકાર વતી વિશેષ સરકારી વકીલ પ્રદીપ ઘરતે દલીલો કરી હતી. સંદીપ દેશપાંડે અને અન્ય નેતાઓ મનસેના પ્રમુખ રાજ ઠાકરેના ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે અટકાયતી કાર્યવાહી કરવા ગયેલી પોલીસે તેઓને એક બાજુ લઈ લીધા હતા. એ દરમિયાન દેશપાંડે અને સંતોષ ધુરી બંને ચાલતા વાહનમાં બેસીને નાસી છૂટ્યા હતા. જો કાયદાનું પાલન કરનાર હોત તેમણે પોલીસને સહકાર આપ્યો હોત.
શું છે મામલો?
સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજ ઠાકરેના શિવતીર્થ નિવાસની બહાર મિડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ પછી પોલીસ દ્વારા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરીની અટકાયત કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સમયે દેશપાંડેએ પોલીસને કહ્યું કે અમે તમારી સાથે આવીએ છીએ.
પોલીસ સાથે થોડું દૂર ચાલ્યા પછી દેશપાંડે અને ધુરી ખાનગી કારમાં બેસી ગયા. તે સમયે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ રોકાયા નહોતા. એક મહિલા પોલીસ કર્મચારીને વાહન સ્પીડમાં દોડતાં નીચે પડીને ઈજા થઈ હતી.
દેશપાંડે અને ધુરી પોલીસ પર બૂમો પાડીને ભાગી ગયા બાદ પોલીસે તેમની સાથે રહેલા કાર્યકરોની ધરપકડ કરી હતી. જોકે દેશપાંડે વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. આટલું જ નહીં સંદીપ દેશપાંડેને શોધવા માટે પોલીસ રાજ ઠાકરેના શિવતીર્થ પર પણ પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.