તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય રીતે ગુમ:વસઈ- વિરાર મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગુમ

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ નજીક વસઈ વિરાર મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર પ્રેમસિંહ જાધવ છેલ્લા બે દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. જાધવ કોરોના ફાટી નીકળ્યા પછી ગયા વર્ષથી તેમની મહાપાલિકાની હદમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહનો નિકાલ કરવાની અત્યંત મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળતા હતા.

જાધવે મહાપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પદભાર સંભાળ્યો તે પછી તેમણે તેમની સીમામાં અનધિકૃત બાંધકામો વિરુદ્ધ જોરદાર ઝુંબેશ શરૂ કરી હતી. આને કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. 2 જૂને તેઓ રોજ મુજબ ફરજ પૂરી કરીને ઘરે જવા નીકળ્યા, પરંતુ ઘરે પહોંચ્યા જ નહીં. આથી તેમના પરિવારજનો દ્વારા વિરાર પોલીસ સ્ટેશનમાં જાધવ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તેઓ અચાનક ગાયબ થઈ જવાથી મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક નાગરિકોમાં પણ જાતજાતના તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ પૂર્વે જાધવે નાયગાવ વેસ્ટમાં એક અનધિકૃત ઈમારત પર બુલડોઝર ફેરવ્યું હતું. એક બિલ્ડરે નકલી સીસી બનાવીને ઈમારત ઊભી કરીને વેચી મારી હતી. આ પછી એક ચાર માળની ઈમારત પર પણ કાર્યવાહી કરી હતી. જાધવના ગુમ થવા પાછળ આ તોડકામ કારણભૂત તો નથી ને તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...