શિવસેનાના નેતા અને રાજ્યના મંત્રી એકનાથ શિંદેને ફરીથી ધમકી મળી છે. શિંદેને નક્સલવાદીઓ તરફથી ધમકીનો એક પત્ર મોકલવામાં આવ્યો છે. ગડચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓને મારવાનો બદલો લેવામાં આવશે એવી ધમકી આ પત્રમાં આપવામાં આવી છે.
ગડચિરોલી જિલ્લાના એક અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે એકનાથ શિંદેના ત્યાંના ઘરમાં એક પત્ર મળ્યો હતો. એમાં નક્સલવાદીઓને મારવાનો બદલો લેવામાં આવશે એવો ઉલ્લેખ છે. એ પછી તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. શિંદે થાણે અને ગડચિરોલી જિલ્લાના પાલકમંત્રી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં ગડચિરોલીમાં પોલીસ સાથે થયેલી ચકમકમાં 25 નક્સલવાદી માર્યા ગયા હતા. એમાં એક કમાન્ડરનો પણ સમાવેશ હતો. ધમકીનો પત્ર મળ્યા પછી થાણે પોલીસને મળેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
દરમયાન પ્રસારમાધ્યમો સાથે વાત કરતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ પહેલાં પણ આવા પ્રકારની ધમકીઓ મને મળી છે. ગડચચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓની સમસ્યાઓનો ઉકેલ કાઢવાનો એક માત્ર માર્ગ એટલે જિલ્લાનો વિકાસ કરવાનો છે.
આ પહેલાં પણ ધમકીઓ મળી છે
થાણે અને ગડચિરોલી જિલ્લાના પાલકમંત્રી એકનાથ શિંદેને આ પહેલાં પણ આવા પ્રકારની ધમકીઓ મળી છે. ગયા વર્ષે 4 ઓકટોબરના રોજ પણ શિંદેને ધમકીવાળો પત્ર મળ્યો હતો. એ સમયે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આ ગુનાની તપાસ થાણે એન્ટી કરપ્શન બ્યુરો કરી રહ્યું હતું.
શિંદેના જીવને જોખમ હોવાનું પત્રમાં નોંધવામાં આવ્યું હતું એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ઉપરાંત એક કમિટીના નામથી આ પત્ર મળ્યો હતો. બદલો લેવાનો ઉદ્દેશ હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. આ પ્રકરણે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ધમકી પછી શિંદેની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.