ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો પશ્ચિમ બંગાળમાં બનાવીને ભારતમાં ચલણમાં ઘુસાડનારી ગેન્ગનો સૂત્રધાર સાત વર્ષ પછી એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ)ને હાથ લાગ્યો છે. એટીએસે પશ્ચિમ બંગાળમાં અનેક આંટા માર્યા પછી આખરે અતાઉર અયુબ અલી રહેમાન (28)ને ઝડપી લીધો છે. 12 એપ્રિલ, 2014ના રોજ એટીએસની નાગપાડા યુનિટે રૂ. 1000ની રૂ. 5.17 લાખની નકલી નોટો પકડી પાડી હતી. આ પ્રકરણમાં સાત જણની ધરપકડ કરી હતી.
આરોપીઓ પશ્ચિમ બંગાળમાં ઉચ્ચ ગુણવત્તાની આબેહૂબ દેખાતી ભારતીય ચલણી નોટો બનાવીને ભારતમાં ઘુસાડતા હતા. આ અંગે મુંબઈની કોર્ટમાં સાત આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન આ કૌભાંડનો સૂત્રધાર અતાઉર નકલી નોટોની વ્યવસ્થા કરીને ભારતીય બજારમાં વિતરણ કરવાનું કામ આરોપીઓને સોંપતો હતો એવું બહાર આવ્યું હતું. આથી ચાર્જશીટમાં તેનું નામ દાખલ કરાયું હતું અને તેની શોધ ચાલતી હતી.અનેક વાર પશ્ચિમ બંગાળમાં પોલીસ પહોંચી, પરંતુ અતાઉર હાથ લાગતો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.