હવામાન:મધ્ય મહારાષ્ટ્ર તેમજ મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, આઠ જિલ્લાઓ માટે હવામાન વિભાગનું યલો એલર્ટ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આંખોમાં જીવ રેડીને દર વર્ષે ખેડૂતો જેની આતુરતાથી વાટ જોતા હોય છે તે ચોમાસુ 16 મેના રોજ આંદામાનના સમુદ્રમાં દાખલ થયું છે. તે કેરળમાં 27 મે સુધી પહોંચશે. આથી વરસાદ માટે મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, આંદામાન- નિકોબારમાં પોષક હવામાન તૈયાર થઈ રહ્યું છે. આ રાજ્યોના અનેક ભાગોમાં વાદળિયું વાતાવરણ છે. મહારાષ્ટ્રમાં મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગે વર્તાવી છે. ઉપરાંત વિદર્ભમાં પણ વાદળિયું વાતાવરણ રહેશે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના સાતારા, કોલ્હાપુર, સાંગલી અને સોલાપુર અને મરાઠવાડામાં ઉસ્માનાબાદ, લાતુર, પરભણી અને નાંદેડ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. એટલે કે, આ ક્ષેત્રોમાં ગાજવીજ સાથે વરસદ પડવાનો ઈશારો આપવામાં આવ્યો છે. આને કારણે આ ક્ષેત્રમાં ઉકળાટથી નાગરિકોને દિલાસો મળવાની શક્યતા છે.આ વખતે જોરદાર વરસાદ : સ્કાયમેટ અને ભારતીય હવામાન વિભાગે પણ આ વખતે ચોમાસુ જોરદાર રહેવાની શક્યતા વર્તાવી છે. સ્કાયમેટના ચોમાસાના અંદાજ અનુસાર 2021માં જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરના ચાર મહિનામાં સરેરાશ 103 ટકા વરસાદ પડવાની શક્યતા છે.

તેમાં 5 ટકા ઓછો અથવા વધુ હોઈ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગે પણ 99 ટકા વરસાદનો અંદાજ વર્તાવ્યો છે. ઓછા-વધુ વરસાદની સીધી અસર દેશની જીડીપી પર પડે છે, કારણ કે ચોમાસાની પરિસ્થિતિ પરથી દુકાળ હોય કે પૂર આવે તેનો અંદાજ વર્તાવવામાં આવે છે. આ વખતે ચોમાસા બાબતે સારો અંદાજ આવવાથી ખેડૂતો અને એકંદરે દેશની આર્થિક સ્થિતિ પર તેનું સારું પરિણામ થવાની શક્યતા છે.

કરા સાથે વરસાદની શક્યતા
ઉત્તર બાજુ ડુંગરાળ રાજ્યો જમ્મુ- કાશ્મીર લડાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બેથી ત્રણ દિવસમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી બે દિવસ ધૂળયુક્ત વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આથી તાપમામાં ઘટાડો થવાની શક્યતા છે.

ગરમીની લહેરનો પણ ત્રાસ
ભારતીય હવામાન વિભાગના કે એસ હોસાળીકરે ચોમાસાના પરિમાણ બાબતે કહ્યું કે દક્ષિણ - મધ્ય કર્ણાટકમાં ચક્રીય પવનની સ્થિતિને લીધે અને અરબી સમુદ્રમાં આવનારા આર્દ્રતાયુક્ત પવનને લીધે આગામી 5 દિવસ તામિલનાડુ, કર્ણાટક કિનારપટ્ટી, કેરળ અને મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ભારતના અમુક ભાગોમાં ગરમીની લહેરની પણ શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...