તપાસ:પુણે સ્ટેશન પર ‘બોમ્બ’ મળી આવતાં જર્મન બેકરી વિસ્ફોટની યાદો તાજી થઈ

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષ પૂર્વે પુણેમાં બોમ્બવિસ્ફોટે 18 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા

ગુરુવારે સવારે પુણે રેલવે સ્ટેશન પર બોમ્બ જેવી વસ્તુ મળી આવતાં બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પોલીસનો કાફલો ભેગો થયો અને તપાસ શરૂ થયો. તે દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડાનો બોમ્બ હતો. આ જાણ થયા પછી બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આની પાછળ કોઈક બીજું મોટું કાવતરું તો નથી ને તેની તપાસ કરવામાં આવી રહી છે.

ગુરુવારની ઘટનાઓ બાર વર્ષ પૂર્વે પુણેની જર્મન બેકરીમાં થયેલા બોમ્બવિસ્ફોટની યાદો તાજી કરી.13મી ફેબ્રુઆરી, 2010ના રોજ સાંજના સમયે પુણેના કોરેગાવ પાર્ક ખાતે જર્મન બેકરીમાં સાંજે 6.57 વાગ્યે બોમ્બવિસ્ફોટ થયો હતો.

આ ધડાકામાં 18 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. ઉપરાંત 60 જણ ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી ડેવિડ હેડલીએ 2008માં પુણેમાં બે દિવસ કોરેગાવ પાર્કમાં વિતાવ્યા હતા એવું બહાર આવ્યું હતું. વિસ્ફોટના ચાર વર્ષ પૂર્વે લશ્કરે- તોયબા સાથે નિકટવર્તી સંબંધ ઘરાવતું ઈન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન પુણેમાં સક્રિય હોવાનું સામે આવ્યું હતું. આ પછી વિસ્ફોટનો મુખ્ય સૂત્રધાર યાસીન ભટકળ અને તેના સાગરીતોને પોલીસે પકડી પાડ્યા હતા.

રિક્ષાથી બેકરીમાં બોમ્બ લવાયો
જર્મન બેકરી પુણેમાં પ્રસિદ્ધ છે. દેશવિદેશીઓ અહીંથી બેકરીની આઈટમો જરૂર ખરીદી કરે છે, જેથી દેખીતી રીતેજ ભારે ભીડ હોય છે. આથી આતંકવાદીઓએ બેકરીની લક્ષ્ય બનાવી હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે યાસીન ભટકળ પુણેના કાત્રજ વિસ્તારમાં રહેતો હતો. એક રૂમમાં તેણે બોમ્બ તૈયાર કર્યો. ત્યાંથી રિક્ષામાં સ્વારગેટ પહોંચ્યો. ત્યાંથી બોમ્બ બીજા રિક્ષાથી જર્મન બેકરી સુધી લાવ્યો.

કાત્રજ- સ્વારગેટ રિક્ષા પ્રવાસમાં યાસીન બોમ્બની બહુ કાળજી લેતો હતો. આથી રિક્ષામાં એક પ્રવાસીએ પણ પૂછ્યું હતું, અરે ભાઈ, યે ક્યા હૈ, ઈસમે બોમ્બ તો નહીં હૈ. આ સાંભળતાં જ યાસીનનો પસીનો છૂટી ગયો હતો. ધરપકડ બાદ ખુદ યાસીને આ વાત પોલીસને જણાવી હતી.

2021માં પણ બોમ્બવિસ્ફોટ
1 ઓગસ્ટ, 2012માં જંગલી મહારાજ રસ્તા પર પાંચ ઠેકાણે બોમ્બવિસ્ફોટ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે પુણે પોલીસે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. તપાસમાં એક જીવંત બોમ્બ પણ મળી આવ્યો હતો. આ પૂર્વે દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પણ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સતર્ક ફૂલ વિક્રેતાને લીધે પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ પછી તપાસમાં પુણેનો ઓશો આશ્રમ, છાબડ હાઉસ, લાલ દેઉળ આતંકવાદીઓના રડાર પર હોવાનું બહાર આવ્યું હતું.

તપાસ યંત્રણાની બાજનગર
2008માં પુણે કોંઢવાથી ઈન્ડિયન મુજાહિદ્દીનના 12 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી અને પુણે રાષ્ટ્રીય નકશા પર આવી ગયું. પુણે શહેરનો વધતો વ્યાપ અને આતંકવાદીની વધતી હિલચાલ ઘ્યાનમાં લેતાં પુણેમાં એટીએસની ટીમમાં વધારો કરવામાં આવ્યો છે. આ પછી સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ, ઈન્ટેલિજન્સ બ્યુરો, એનઆઈએની ટીમો પણ પુણેમાં વધારવામાં આવી છે. એનઆઈએએ તો પુણેમાં કાર્યાલય સ્થાપી દીધું છે. દરમિયાન મુંબઈ, દિલ્હી, બેન્ગલુરુ, લખનૌ, બિહાર રાજ્યની એટીએસ પણ સમયાંતરે માહિતીને આધારે પુણેમાં આવજા કર્યે રાખે છે. આથી જ ગુરુવારે બોમ્બ જેવી વસ્તુ મળતાં બધી જ યંત્રણા એલર્ટ પર આવી ગઈ હતી. તે ફટાકડો હતો એવું સ્થાપિત થવા છતાં વિવિધ તપાસકારી એજન્સીઓએ તેને ગંભીરતાથી લઈને તપાસ ચાલુ રાખી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...