શિવસેના અને ભાજપની યુતિ તૂટી ગયા પછી શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે મહાવિકાસ આઘાડી સરકાર સ્થાપી છે ત્યારથી ભાજપ વારંવાર હિંદુત્વના મુદ્દા પરથી શિવસેનાને પ્રશ્નો પૂછી રહ્યોછે. દરમિયાન મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ હિંદુત્વનો મુદ્દો હાથમાં લીધો છે. હનુમાન જયંતીના દિવસે મહાઆરતી અને હનુમાન ચાલીસાનું પઠણ કાર્યક્રમ પછી હવે રાજે પુણેમાં રવિવારે બે મોટી ઘોષણા કરી છે.
રાજે જણાવ્યું કે હું આજે ફક્ત બે ઘોષણા કરવા માગું છું. 1 મે મહારાષ્ટ્ર દિને હું સંભાજીનગર (ઔરંગાબાદ) ખાતે સાંસ્કૃતિક મંડળના મેદાનમાં જાહેર સભા લેવાનો છું. બીજું 5 જૂને હું મારા બધા કાર્યકરો સાથે અયોધ્યા જવાનો છું.આ પૂર્વે ભાજપે 1 મેના રોજ મુંબઈમાં સભા લેવાની ઘોષણા કરી છે. મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસ જાહેર સભા લેવાના છે. તેમાં ફડણવીસની તોપ ફૂટવાની છે.
આગામી સમયમાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તે જોતાં આ સભાઓને બહુ મહત્ત્વ પ્રાપ્ત થયું છે. આ સભામાં ભાજપ દ્વારા મુંબઈ મહાપાલિકામાં ભ્રષ્ટાચાર પર પોલખોલ કરીને ઝુંબેશની શરૂઆત કરાશે એમ કહેવાય છે.
દરમિયાન રાજ ઠાકરેએ રવિવારે પુણેમાં ફરી એક વાર દોહરાવ્યું કે લાઉડસ્પીકરનો મુદ્દો ધાર્મિક નથી, પરંતુ આ મુદ્દો સામાજિક છે તે અગાઉ પણ કહી ચૂક્યું છું. લાઉડસ્પીકરને લીધે મુસ્લિમોને પણ ત્રાસ થાય છે. એક મુસ્લિમ પત્રકારે મારા પક્ષના નેતા બાળા નાંદગાવકરને કહ્યું કે મારું બાળક નાનું છે અને મને લાઉડસ્પીકરનો ત્રાસ થાય છે. મેં જાતે પણ મસ્જિદમાં જઈને આ વિશે કહ્યું હોવાનું આ પત્રકારે જણાવ્યું, પરંતુ તેનું કોઈ સાંભળતું નથી, એમ રાજે જણાવ્યું હતું.
ફરી 3 મેનું અલ્ટિમેટમ
આ મુદ્દો વર્ષોથી યથાવત રહ્યો છે. મને એવું લાગે છે કે જો દિવસમાં પાંચ વાર લાઉડસ્પીકર લગાવશો તો અમે મસ્જિદની સામે પાંચ વાર હનુમાન ચાલીસા વગાડીશું. દેશભરના મારા બધા હિંદુ બાંધવોને વિનંતી છે કે તૈયારીમા રહો. 3 મે માટે સુસજ્જ રહો.
હાલમાં તેમનો રમજાન મહિનો ચાલી રહ્યો છે. જોકે 3 મે સુધી તેઓ સમજે નહીં અને દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા કરતાં પણ પોતાનો ધર્મ, લાઉડસ્પીકર તેમને મોટા લાગતા હોય તો મને લાગે છે કે તેનો જવાબ આપવાનું પણ તેટલું જ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.