ભાસ્કર વિશેષ:પર્યટકો માટે નેરળથી માથેરાન મિની બસ શરૂ થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યટકો અને સ્થાનિકોની હેરાનગતિ તથા મોંઘો પ્રવાસ ખર્ચ બંધ થશે

પર્યટકોની અવરજવર માટે નેરળ-માથેરાન માર્ગ પર પરિવહન સેવા શરૂ કરવાનો નિર્ણય માથેરાન નગર પરિષદે લીધો છે. આ સેવા માટે એસટી મહામંડળ તરફથી ના હરકત પ્રમાણપત્ર મળ્યું છે. આ નિર્ણયના કારણે માથેરાન સુધી પહોંચવા માટે પર્યટકોની થતી હેરાનગતિ અને લુંટ બંધ થશે.

માથેરાન પર્યાવરણની દષ્ટિએ સંવેદનશીલ ઠેકાણું હોવાથી ત્યાં પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનો પર બંધી છે. કર્જતથી માથેરાન પહોંચવા માટે પોતાની માલિકીનું વાહન, એસટી મહામંડળની બસ અને ખાનગી ટેક્સી જેવા વિકલ્પ છે. એસટી બસની ફક્ત બે ફેરી થતી હોવાથી મોટા ભાગના પર્યટકો મોંઘી ખાનગી ટેક્સી દ્વારા માથેરાન પહોંચે છે. એના પર ઉપાય તરીકે માથેરાન નગર પરિષદે પરિવહન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

માથેરાન નગર પરિષદ દ્વારા મિની બસ શરૂ કરવા માટે તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકલ્પ માટે એસટી મહામંડળ તરફથી ના હરકત પ્રમાણપત્રની જરૂર હતી. મહામંડળે આ પ્રમાણપત્ર આપતા ટૂંક સમયમાં નેરળથી (દસ્તુરી નાકા) માથેરાન દરમિયાન મિની બસ સેવા શરૂ કરવા માટે ખાનગી કંપનીઓ તરફથી ટેંડર મગાવવામાં આવ્યા છે.

લગભગ છ મહિનામાં એટલે કે દિવાળી સુધી આ પરિવહન સેવા શરૂ થવી અપેક્ષિત છે. એ પછી પર્યટકો મિની બસથી માથેરાન પહોંચી શકશે એમ માથેરાન હિલસ્ટેશન નગર પરિષદના મુખ્યાધિકારી સુરેખા ભણગેએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને દરરોજ હેરાનગતિ
એસટી બસની અત્યારે ફક્ત બે જ બસ દોડતી હોવાથી નોકરી માટે જનારા અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓએ ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. અનેક વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા માટે દરરોજ ટેક્સીનો ખર્ચ પરવડતો ન હોવાથી અનેક કુટુંબ માથેરાન છોડીને કર્જત કે નેરળ ખાતે સ્થાયી થયા છે.

તેથી માથેરાનની લોકસંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. સ્થાનિકોને પરવડનારા દરમાં અને આરામદાયક સેવા મળે એ માટે માથેરાન પરિવહન સેવા શરૂ કરવામાં આવશે એવી માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...