છેતરપિંડી:જાહેર ક્ષેત્રની બેન્કના મેનેજરે 63.24 લાખની ઉચાપત કરી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા મહિનાથી ખાતું ઓપરેટ નહીં કરાતાં ખાતાંમાંથી ઉચાપત

હોદ્દાનો દુરુપયોગ કરીને અને બેન્ક ખાતામાંથી રૂ. 63.24 લાખની ઉચાપત કરવા સંબંધે જાહેર ક્ષેત્રની બેન્કના સિનિયર મેનેજર સામે વડાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મે અને જુલાઈ દરમિયાન ઓપરેટ નહીં કરાતાં હોય તેવાં બેન્ક ખાતાં અને ઓવરડ્રાફ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને આરોપીએ આ ઉચાપત કરી હતી. બેન્કના વડામથકમાં આ છેતરપિંડી ધ્યાનમાં આવ્યા પછી એક અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું કે અમે આ છેતરપિંડી પ્રકરણે સિનિયર મેનેજર નીરજ કુમાર સામે ગુનો દાખલ કર્યો છે. નીરજે આંતરિક પૂછપરછમાં ગુનો કબૂલ કર્યો છે. તેણે કહ્યું કે બિહારના પટનામાં એક જગ્યા ખરીદી કરવા માટે તેણે આ ઉચાપત કરેલાં નાણાંનો ઉપયોગ કર્યો છે.નીરજે છેલ્લા થોડા મહિનાથી લેણદેણ નહીં કરાતી હોય તેવાં બેન્ક ખાતાંઓમાં આ ઉચાપત કરી હતી. તે સિનિયર મેનેજર હોવાથી તે ખાતાંઓની લેણદેણ મર્યાદા તેણે વધારી હતી, જે પછી તે બેન્ક ખાતાંને નામે ઓવરડ્રાફ્ટ જારી કરાવ્યાં હતાં. તે ખાતાંમાં રકમ જમા કરાવ્યા પછી તેણે રકમ પટનામાં પોતાનાં અને પત્નીનાં ખાતાંમાં ટ્રાન્સફર કર્યાં હતાં, જેમાંથી પછી જગ્યા ખરીદી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આ પછી તે બેન્ક ખાતાં પર નિર્માણ કરેલાં હંગામી ઓવરડ્રાફ્ટ આરોપીએ બંધ કરી દીધા હતા અને લેણદેણ મર્યાદા પર ફરીથી સામાન્ય કરી નાખી હતી.

શાખાની રોજબરોજની કામગીરીનો અહેવાલ વડામથકે મોકલવાનો હોયછે, જેમાં તાજેતરમાં એક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન આ ગોટાળો બહાર આવ્યો હતો. તાજેતરના મહિનાઓમાં ઘણી બધી ઓવરડ્રાફ્ટ લેણદેણ થયેલી જણાઈ હતી અને નાણાં બેન્કના એક કર્મચારીના ખાતામાં વાળવામાં આવ્યા હતા. આ પછી બેન્ક દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં નીરજનો ગોટાળો બહાર આવ્યો હતો. શાખાના ચીફ મેનેજરે પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ પછી કર્મચારીએ 30 ઓગસ્ટે ફરિયાદની અરજી સુપરત કરી હતી, જેની તપાસ બાદ સરકારી નોકર દ્વારા વિશ્વાસઘાત, છેતરપિંડી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...