નિર્ણય:મલિકની સોશ્યલ મિડિયામાં વાનખેડે વિરુદ્ધ પોસ્ટ નહીં કરવાની બાંયધરી

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ આવું કરવાનું યોગ્ય નથી એવી હાઈ કોર્ટે નોંધ કરી

મુંબઈ હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને એનસીબી પ્રમુખ સમીર વાનખેડે અને તેમના પરિવાર વિરુદ્ધ ટ્વિટ અને જાહેર નિવેદન કરવા પર 9 ડિસેમ્બર સુધી રોક લગાવી છે.સમીરના પિતા જ્ઞાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા 1.25 કરોડના માનહાનિના કેસમાં ગુરુવારે નવો વળાંક આવ્યો હતો. મલિકના વકીલે કોર્ટમાં બાંયધરી આપીને સ્પષ્ટ કર્યું છે કે પોતાના અસીલ કેસની આગામી સુનાવણી એટલે કે 9 ડિસેમ્બર સુધી સમીરના પરિવાર વિશે સોશિયલ મિડિયા પર કોઈ ટ્વીટ કે પોસ્ટ નહીં કરાશે.

બેન્ચે પૂછ્યું કે, મંત્રી રોજેરોજ મિડિયા પ્રચાર કરીને શું ઈચ્છે છે? ખાસ કરીને તેમના જમાઈની ધરપકડ પછી. તેઓ એક મંત્રી છે, શું તેમણે આ બધું કરવું યોગ્ય છે? જસ્ટિસ કાથાવાલાએ કહ્યું કે મલિકે વાનખેડે વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા વિના પણ ટ્વીટ કર્યું છે. બેંચ મલિકને બદનક્ષીભર્યાં નિવેદનો કરવાથી રોકવા માટે વચગાળાની રાહત માટેની જ્ઞાનદેવ વાનખેડેની અપીલની સુનાવણી કરી રહી હતી.મલિક સામે 1.25 કરોડનો માનહાનિના દાવામાં મલિકને રોકવાનો ઇનકાર કરતા ન્યાયમૂર્તિ માધવ જામદારના આદેશ સામે જ્ઞાનદેવ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તે કોર્ટે મલિકને વિશ્વસનીયતા ચકાસ્યા વગર નિવેદનો પોસ્ટ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સિંગલ બેન્ચે અવલોકન કર્યું હતું કે મલિકનાં નિવેદનો દ્વેષથી પ્રેરિત હોવાનું જણાય છે, ત્યારે તેમણે સમીરનાં કૃત્યો અને આચરણ અંગે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા હતા. પરંતુ નીચલી અદાલતે મલિકને એમ કહીને જાહેર નિવેદન કરતાં રોકયા નહીં કે મલિકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. એ પછી વાનખેડેએ અપીલ કરી હતી, જેની સુનાવણી બે જજની બેન્ચ દ્વારા ગુરુવારે કરવામાં આવી હતી.ગુરુવારે, વાનખેડેના વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જાણ કરી હતી કે મલિકે બેજવાબદાર ટ્વિટ કરવાનું ચાલુ રાખ્યું છે. ઉપરાંત મલિકનાં કૃત્યો દ્વેષપૂર્ણ હોવા છતાં અને ઉચિત ચકાસણી વિનાના હોવા છતાં તેમને મનાઈહુકમ આપવામાં આવ્યો નહોતો.

આગામી સુનાવણી સુધી ટ્વીટ્સ નહીં
ત્યાર બાદ કોર્ટે જાણવા માગ્યું કે શું મલિકે આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ કરી છે. મલિક તરફથી હાજર રહેલા એડવોકેટ કાર્લ તંબોલીએ જણાવ્યું હતું કે, માત્ર વિજિલન્સ તપાસ બાકી હતી. ત્યારે કોર્ટે તેમને પૂછ્યું કે શું તે મામલો પૂરો થાય ત્યાં સુધી મલિક પોતાની જાતને રોકશે અથવા અદાલતે આદેશ પસાર કરવો જોઈએ. આ પછી તંબોલીએ મલિક પાસેથી સૂચનાઓ લઈને કોર્ટને કહ્યું કે આગામી સુનાવણી સુધી મલિક વાનખેડે વિરુદ્ધ ટ્વીટ્સ નહીં કરશે.

ડિવિઝન બેન્ચે શું કહ્યું?
ડીવીઝન બેન્ચે દલીલો દરમિયાન કહ્યું કે, મહેરબાની કરીને અમને બતાવો કે તે દ્વેષથી પ્રેરિત એટલે શું, કારણ કે તે દ્વેષથી પ્રેરિત હોય તો પછી મનાઈહુકમ આપવો જોઈએ. સરાફે રજૂઆત કરતાં અનેક ટ્વિટ્સ વાંચ્યા પછી તેમણે બેન્ચને પૂછ્યું કે, શું આ ઉચિત છે, કોઈ આ રીતે અન્યો પર કાદવ ઉડાવી શકે? સોશિયલ મિડિયા હેન્ડલ્સ આ રીતે કાદવ ઉછાળવા માટેનું પ્લેટફોર્મ બની ગયુ છે, જ્યાં કોઈ પણ કંઇ પણ કરી શકે અને બોલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...