મની લોન્ડરિંગ કેસમાં રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (71 વર્ષ)ની સોમવારે 12 કલાક સુધી પૂછપરછ બાદ આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખે આ પૂર્વે મુંબઈ હાઈ કોર્ટમાં ઈડીના સમન્સને પડકારતી અરજી કરી હતી. જોકે તે નકારી કઢાઈ હતી. આ પછી સોમવારે સવારે 11.30 વાગ્યે તેઓ જાતે ઈડીની ઓફિસમાં આવ્યા હતા. દરમિયાન દેશમુખને મંગળવારે વિશેષ કોર્ટમાં હાજર કરીને 14 દિવસની કસ્ટડી માગવામાં આવી હતી. કોર્ટે 6 નવેમ્બર સુધી દેશમુખને ઈડીની કસ્ટડી આપી છે.
સીબીઆઈ દ્વારા દેશમુખ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં મની લોન્ડરિંગનું પાસું બહાર આવતાં ઈડી પણ તપાસમાં જોડાઈ છે. દેશમુખ અને અમુક અન્યોએ વિવિધ બાર, રેસ્ટોરાં અને અન્ય આસ્થાપનાઓ પાસેથી મહિને રૂ. 100 કરોડનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભંડોળ જમા કરવા તેમની જાહેર ફરજમાં અયોગ્ય કામગીરી અને બેઈમાની કરીને ખોટી રીતે લાભો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, એવો આરોપ સીબીઆઈનો છે.
ઓગસ્ટમાં ઈડી દ્વારા દેશમુખના બે અંગત સહાયકોની ધરપકડ કરીને તેમની સામે ફોજદારી ફરિયાદ (ચાર્જશીટની સમકક્ષ) દાખલ કરી હતી. ઈડી અનુસાર બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રવાદીના નેતા દેશમુખ સિવાય તેને રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબ પાસેથી સમયાંતરે લાંચ ભેગી કરવા સૂચનાઓ મળી હતી. ઉપરાંત પોતાને ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના નિકટવર્તી હોવાની ઓળખ આપતી એક વ્યક્તિએ અનધિકૃત ગુટખા વિક્રેતાઓ પાસેથી માસિક રૂ. 100 કરોડ ભેગા કરવા જણાવ્યું હતું એવો પણ આરોપ કર્યો હતો.
અનધિકૃત ગુટખા વિક્રેતા પર કાર્યવાહી : વાઝેએ જણાવ્યું કે પવારના નિકટવર્તીની સૂચના મળવા પર તેણે અનધિકૃત ગુટખા વિક્રેતાઓ સામે ઝુંબેશ છેડી હતી અને ફેક્ટરીઓના માલિકો પર પગલાં લીધાં હતાં. જોકે પવાર તેનાથી નારાજ થયા હતા એવું તેમના નિકટવર્તીએ કહ્યું હોવાનું વાઝેએ નિવેદનમાં જણાવ્યું હતું, જે વાઝે સામે ઈડી દ્વારા દાખલ ફોજદારી ફરિયાદનો ભાગ છે. પીએમએલએ કોર્ટે ચાર્જશીટની ગુરુવારે નોંધ લેતાં ટ્રાયલનો માર્ગ મોકળો બન્યો છે.
કેટલી મિલકતોને ટાંચ મરાઈ છે
દેશમુખ અને પરબે આ કાર્યવાહી રાજકીય પ્રેરિત હોવાનો દાવો કર્યો છે. ઈટીએ આ પ્રકરણમાં વરલીમાં રૂ. 1.54 કરોડનો ફ્લેટ, ઉરણના ધુતુમ ગામમાં રૂ. 2.67 કરોડની બુક વેલ્યુના 25 જમીનના ટુકડા સહિત રૂ. 4.20 કરોડની અસ્કયામતોને ટાંચ મારી છે. ઈડી અનુસાર આ અસ્કયામતો દેશમુખનાં પત્ની આરતી અને કંપની પ્રીમિયર પોર્ટ લિંક્સ પ્રાઈવેટ લિમિટેડને નામે છે. તેમનો પુત્ર સલીલ જાન્યુઆરી 2006થી ઓગસ્ટ 2021 વચ્ચે કંપનીમાં ડાયરેક્ટર હતો.
વાઝેનું નિવેદન કોર્ટમાં સ્વીકાર્ય
આ દાવાઓ પર પુરાવા માગતાં વાઝેએ જણાવ્યું કે એનઆઈએ દ્વારા વ્હોટ્સએપ પરની અમુક ચેટ્સ રિટ્રાઈવ કરી છે. નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ નોંધવામાં આવ્યું છે, જે કાયદાની કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.