તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:આરોપીનું ચોથા માળથી પડતાં મૃત્યુ બાદ સ્થાનિકોનો પોલીસ પર હુમલો

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાણે અને વલસાડ પોલીસ કુખ્યાત ગુંડાને પકડવા પહોંચી હતી

ગુજરાત- મહારાષ્ટ્રમાં અનેક ગંભીર ગુના માથે લઈને ફરતા આરોપીને પકડવા માટે થાણે અને ગુજરાતની વલસાડ પોલીસે ભિવંડીમાં અચાનક દરોડા પાડતાં ભાગવાના પ્રયાસમાં આરોપીએ ચોથા માળે પોતાના ઘરની બારીમાંથી નીચે ભૂસકો મારતાં ગંભીર ઈજા થઈને મોત નીપજ્યું હતું. જોકે સ્થાનિકોએ આરોપીને પોલીસે ચોથા માળથી ફેંક્યો હોવાનો આરોપ કરીને હુમલો કર્યો હતો, જેમાં મહિલા પોલીસ સહિત ઘણા પોલીસ ઘાયલ થયાં હતાં. શુક્રવારે બનેલી આ ઘટનાનો વિડિયો રવિવારે શનિવારે વાઈરલ થયો હતો.

ભિવંડીના નિઝામપુરાની હદમાં કુરેશી નગરના કસાઈવાડામાં આરોપી જમીલ કુરેશી છુપાયેલો છે એવી માહિતી પોલીસને મળી હતી. તેની સામે વલસાડ, થાણે, પાલઘરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, જનાવરોની ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. આ માહિતીને આધારે વલસાડ પોલીસ અને થાણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અચાનક શુક્રવારે બપોરે આરોપીના ઘરે પહોંચ્યા હતા. તેનો દરવાજો ખખડાવતાં અંદરથી કોઈ જવાબ આવ્યો નહોતો.

દરમિયાન ભાગવાના પ્રયાસમાં આરોપીએ ચોથા માળે પોતાના ઘરની બારીમાંથી નીચે ભૂસકો માર્યો હતો. જોકે ગંભીર ઈજા સાથે તેનું મોત થયું હતું. ભૂતકાળમાં પણ કુરેશીએ અનેક વાર અલગ અલગ ઠેકાણે પોલીસને હાથતાળી આપી હતી, પરંતુ આ વખતે નસીબે તેને સાથ આપ્યો નહોતો, એમ ભિવંડીની ડીસીપી યોગેશ ચવાણે જણાવ્યું હતું.આ ઘટનામાં મહિલા સહિત ઘણા બધા પોલીસો ઘાયલ થયા હતા. તેમને ઉપચાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

નિઝામપુરા પોલીસે આ સંબંધે હુલ્લડ, હુમલો અને પોલીસને ફરજ બજાવવાથી રોકવા સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને ઓળખી કઢાયા છે, એમ તેમણે જણાવ્યું હતું.આ સંવેદનશીલ વિસ્તાર છે, જેથી કાયદો અને વ્યવસ્થામાં કોઈ અવરોધ પહોંચે નહીં તે રીતે કાર્યવાહી કરાશે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...