નિર્ણય:મધ્ય રેલવેમાં પાટાના કામ ચાલુ હોવાથી લોકલની સ્પીડ પર મર્યાદા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ ટાઈમટેબલ ખોરવાય એવી શક્યતા : વરિષ્ઠ અધિકારી

મધ્ય રેલવેના ઉપનગરીય માર્ગમાં કેટલાક સ્ટેશન વચ્ચે ચાલી રહેલા પાટાના કામને લીધે લોકલ ટ્રેન પર સ્પીડમર્યાદા લાગુ કરવામાં આવી છે. આ કામના કારણે મંગળવારે સવારના ગિરદીના સમયે લોકલનું ટાઈમટેબલ થોડું ખોરવાયું હતું. લોકલ દસથી પંદર મિનિટ મોડી દોડી રહી હતી. લગભગ પાંચ કલાક એનો ફટકો રેલવે પ્રવાસીઓને પડ્યો. પાટાના કામ હજી થોડા દિવસ ચાલુ રહેશે. પરિણામે લોકલનું ટાઈમટેબલ ખોરવાય એવી શક્યતા એક વરિષ્ઠ અધિકારીએ વ્યક્ત કરી હતી.

મધ્ય રેલવેમાં સીએસએમટીની દિશામાં ફાસ્ટ અને સ્લો લોકલ ટ્રેન સવારે સાત વાગ્યાથી દસથી પંદર મિનિટ મોડી દોડી રહી હતી. આ બાબતની એનાઉન્સમેંટ બધા રેલવે સ્ટેશનમાં થઈ રહી હતી પણ એનું ચોક્કસ કારણ પ્રવાસીઓને જણાવવામાં આવ્યું નહોતું. તેથી પ્રવાસીઓમાં અસમંજસ હતી. કલ્યાણ, ડોંબીવલીની દિશામાં જતી લોકલ પણ મોડેથી દોડતી હોવાથી પ્રવાસીઓની હેરાનગતિ થઈ. બપોરે 12 વાગ્યા સુધી આ ગરબડ ચાલુ હતી. વિવિધ સ્ટેશન વચ્ચે પાટાના કામ શરૂ કરવામાં આવ્યું છે.

પાટા નીચે જૂની થયેલી ખડી કાઢીને નવી ખડી ભરવાનું કામ અત્યારે ચાલુ છે. કેટલાક ઠેકાણે કાટ ખાધેલા પાટા પણ બદલવામાં આવી રહ્યા છે. સવારથી આ કામ શરૂ કરવામાં આવે છે અને મધરાત સુધી ચાલે છે. એમાં ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ ખાતે લોકલ માટે કલાક દીઠ 20 થી 30 કિલોમીટરની સ્પીડલિમિટ રાખવામાં આવી છે.

સ્પીડલિમિટ ક્યાં છે?
મધ્ય રેલવે ઉપનગરીય માર્ગમાં સીએસએમટીથી કલ્યાણ, ખપોલી, કસારા, પનવેલ, થાણેથી વાશી, પનવેલ ટ્રાન્સહાર્બરમાં વિવિધ કારણો માટે કેટલાક ઠેકાણે લોકલ ટ્રેન પર સ્પીડલિમિટ લાગુ કરવામાં આવી છે. તેથી ત્યાંથી કલાક દીઠ 20 થી 40 કિલોમીટરની ઝડપે લોકલ દોડે છે. હવે પાટાના કામ માટે સ્પીડલિમિટ નિશ્ચિત કરવામાં આવી છે. આ કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યા છે. તેથી લોકલના ટાઈમટેબલ પર થોડી અસર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...