મહાપાલિકા સંચાલિત કેઈએમ હોસ્પિટલમાં પહેલી વાર હાથ પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા સફળતાથી પાર પાડવામાં આવી છે. 18 કલાકથી પણ વધુ સમય આ શસ્ત્રક્રિયા ચાલી હતી, જેમાં મધ્ય પ્રદેશના યુવાનને જમણો હાથ મળ્યો છે. ખાસ કરીને શુક્રવારે અંગદાન દિવસ છે ત્યારે જ આ યોગાનુયોગ શસ્ત્રક્રિયા આશાનું નવું કિરણ છે.કેઈએમને 2016માં હાથના પ્રત્યારોપણનું લાઈસન્સ મળી ગયું હતું. જોકે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ પ્રત્યારોપણ થયું નહોતું. આ પછી બે મહિના પૂર્વે લાઈસન્સ રિન્યુ કરાયું છે, જે પછી પહેલી વાર કેઈએમમાં આ શસ્ત્રક્રિયા પાર પાડવામાં આવી છે.
મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લેતા એક યુવાનને થોડા દિવસ પૂર્વે બ્રેનડેડ જાહેર કરાયો હતો. તેના કુટુંબીઓએ અવયવદાનનો મોટો નિર્ણય લીધો હતો. તેમાં તેના ફેફસાં, યકૃત, કિડની, કોર્નિયા અને ત્વચાનું દાન કરાયું. ઉપરાંત બંને હાથ દાન કરવાની પણ તૈયારી બતાવી. આ દર્દીના અવયવોથી પાંચ જણને જીવનદાન મળ્યું છે. ઉપરાંત હાથ દાનને લીધે કેઈએમમાં પહેલી વાર હાથ પ્રત્યારોપણ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે.
છેલ્લા અનેક મહિનાથી પ્રતિક્ષા કરી રહેલા મધ્ય પ્રદેશના યુવાનના જમણા હાથનું પ્રત્યારોપણ કરાયું. બ્રેનડેડ દર્દીના હાથ મળતાં જ મધ્ય પ્રદેશના યુવાનને મુંબઈમાં બોલાવી લેવાયો હતો. હજુ ચાર જણ હાથના પ્રત્યારોપણની વેઈટિંગ લિસ્ટમાં છે, એમ ડીન ડો. હેમંત દેશમુખે જણાવ્યું હતું.
શસ્ત્રક્રિયા કઈ રીતે પાર પડાઈ
હાથોનું પ્રત્યારોપણ કરવા લગભગ 18-24 કલાક લાગે છે. તેમાં બે મુખ્ય ધમની, છ શિરા, આઠ નસ અને 12 ટેન્ડન્સ અને હાડકાં જોડવામાં આવે છે. મુંબઈમાં છેલ્લાં 24 વર્ષમાં સેંકડો મૂત્રપિંડ, ફેફસાં, યકૃત, હૃદય પ્રત્યારોપણ સફળતાથી પાર પડ્યાં છે, પરંતુ બંને હાથ દાન અને હાથનું પ્રત્યારોપણ સફળતાથી પાર પાડવાનો મહાપાલિકાની હોસ્પિટલમાં આ પ્રથમ કેસ છે.
આ પૂર્વે મુંબઈની લોકલ ટ્રેનમાંથી પડીને બંને હાથ ગુમાવનારી મોનિકા મોરે પર ગયા વર્ષે મુંબઈમાં બંને હાથોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ચેન્નાઈની ગ્લોબલ હોસ્પિટલમાંથી હાથની મદદ મળી હતી અને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં પ્રત્યારોપણ પાર પડ્યું હતું, જે પછી મોનિકાના હાથોમાં ઘણી બધી સંવેદનાઓ આવી છે.
હાથમાં સંવેદના આવવા એક વર્ષ લાગશે
આ શસ્રક્રિયા પછી હાથમાં સંપૂર્ણ સંવેદના, હલનચલન અને તાકાત આવવા માટે એક વર્ષ લાગશે. તેને નિયમિત ફિઝિયોથેરપી કરવી પડશે. તેની રોગ પ્રતિકારક શક્તિ પર સતત કામ કરવું પડશે. આથી આ બહુ મોટી પ્રક્રિયા છે, એમ તેમણે જણાવ્યું હતું.
કોચીમાં સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ
જાન્યુઆરી 2015માં કોચીની અમૃતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ ભારતનું સૌપ્રથમ હાથનું ટ્રાન્સપ્લાન્ટ હતું. આ પછી મુંબઈમાં મોનિકા મોરેના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. આ પૂર્વે મહારાષ્ટ્રમાં પુણેમાં પણ હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું, પરંતુ તે સફળ થયું નહોતું. કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં પ્રથમ થોડા સપ્તાહ મહત્ત્વપૂર્ણ હોય છે, એમ ડોક્ટર કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.