રાજકારણ:કોંગ્રેસની પીછેહઠથી વિધાન પરિષદની ચૂંટણી બિનવિરોધ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના અને ભાજપને એક- એક બેઠક મળવાનો માર્ગ મોકળો થયો

મુંબઈ મહાપાલિકાના નગરસેવકોની મતો પર થનારી વિધાન પરિષદની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસના સુરેશ કોપરકરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં મતો ફૂટવાની સંભાવનાને લીધે ચૂંટણી રસીકસીભરી થવાની હતી અને ઘોડાબજાર પણ થવાની શક્યતા ઊભી થઈ હતી. જોકે ગુરુવારે કોપરકરે ઉમેદવારી પાછી ખેંચી લેતાં શિવસેના અને ભાજપના ઉમેદવારની જીતની માર્ગ મોકળો બની ગયો છે.

ભાજપ અને શિવસેના વચ્ચે આ ચૂંટણીમાં ત્રીજો ઉમેદવાર આવતાં ચૂંટણી રસાકસીભરી થવાની શક્યતા હતી. કોંગ્રેસે કોપરકરને ટેકો આપ્યો હતો. આ પૂર્વે ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની જીત સ્પષ્ટ દેખાઈ રહી હતી. આવા સમયે કોપરકરે અપક્ષ તરીકે અરજી ભરી દીધી હતી.શિવસેના દ્વારા વરલીની બેઠક આદિત્ય ઠાકરે માટે છોડનારા સુનીલ શિંદેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે ભાજપ તરફથી રાજહંસ સિંહને ઉમેદવારી આપવામાં આવી છે.મહાપાલિકામાં 288 નગરસેવકમાંથી શિવસેના પાસે 99 નગરસેવકનું સમર્થન હોવાથી તેનું પલડું ભારે છે.

શિવસેનાના ઉમેદવાર સુનીલ શિંદેની જીત નિશ્ચિત છે, જ્યારે ભાજપ પાસે 83 નગરસેવકનું સમર્થન છે. આથી રાજહંસ સિંહની જીત પણ નિશ્ચિત છે. 29 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે, જેથી વિજયી ઉમેદવારની ઘોષણાની ઔપચારિકતા રહી છે.

અન્ય સમાચારો પણ છે...