વરણી:સાકીનાકા કેસ માટે વકીલ રાજા ઠાકરે નિયુક્ત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની વિવિધ યોજનામાંથી મૃતકના પરિવારને રૂ. 20 લાખની મદદ અપાશેઃ કમિશનર

સાકીનાકા દુષ્કર્મ- હત્યા કેસને લઈને પ્રશાસન અત્યંત ગંભીર બની ગયું છે. મૃતક વિશિષ્ટ સમાજની હોવાથી હવે આરોપી સામે એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે અને તેમાં વહેલી તકે ચુકાદો આવે અને આરોપીને કઠોર સજા થાય તે માટે સરકારી વકીલ તરીકે રાજા ઠાકરેની નિયુક્તિ કરવામાં આવી છે.

મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલેએ આ ઘટનાની અપડેટ્સ આપતાં સોમવારે જણાવ્યું કે મૃતકના કુટુંબીઓ માટે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના સહાયતા ભંડોળમાંથી અને સરકારની વિવિધ યોજનામાંથી રૂ. 20 લાખની મદદ આપવામાં આવશે. આરોપીએ ગુનો કબૂલ કરીને સર્વ ઘટનાની માહિતી આપી છે. ઘટનાસ્થળે પીડિતા ક્યારે આવી, આરોપી ક્યારે આવ્યો, ગુનો કઈ રીતે સર્જાયો, આ પછી આરોપી કઈ રીતે ભાગી ગયો આ બધી માહિતી પુરાવા સાથે મળી છે. આરોપી પાસેનું મુખ્ય હથિયાર પણ જપ્ત કરાયું છે. આ સંવેદનશીલ ગુના માટે વિશેષ સરકારી વકીલ તરીકે રાજા ઠાકરેની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ તપાસમાં પણ માર્ગદર્શન કરી રહ્યા છે.

મુંબઈમાં સીસીટીવી કેમેરા વધારાશે
દરમિયાન સોમવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહ મંત્રી દિલીપ વળસે પાટીલ, પોલીસ અધિકારીઓ સહિતના આગેવાનોની વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. તેમાં શહેરમાં સીસીટીવી કેનેરા નેટવર્ક વધારવાનો પણ નિર્ણય લેવાયો હતો. હાલમાં મુંબઈમાં 5000 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. વધુ 7000 કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે, એમ કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે જણાવ્યું હતું. શહેરના બધા મોલ્સ, સંસ્થાઓ, દુકાનોના રસ્તાઓની દિશાની બાજુમાં ખૂણાઓમાં કેમેરા ગોઠવવાનું જરૂરી બનાવવામાં આવ્યું છે. આ રીતે શહેરમાં આશરે 50,000 કેમેરાનું નેટવર્ક બની જશે.

આરોપીને ફાંસી જ થવી જોઈએ
દરમિયાન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના ઉપાધ્યક્ષ અરુણ હલદારે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પોલીસ જોડે ચર્ચા કરી હતી. તેમણે પોલીસ તપાસથી સંતોષ મામ્યો હતો. જોકે તેમણે મૃતકના પરિવારને ન્યાય મેળવી આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી ચુકાદો આવીને આરોપીને ફાંસીની સજા થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આવા ગુના કરતી વખતે આરોપીઓ બે વાર વિચાર કરે.

અન્ય સમાચારો પણ છે...