અહેવાલ:પુણેથી નાશિક સેમિ-હાઈસ્પીડ ટ્રેન માટે ભૂસંપાદન શરૂ કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ રૂટ માટે 102 ગામની આશરે 1 હજાર 470 હેકટર જમીન જોઈશે

પુણેથી નાશિક સેમિ-હાઈસ્પીડ રેલવે માર્ગ પ્રકલ્પના 102માંથી અત્યાર સુધી 83 ગામના ભૂસંપાદન અને સ્કેચ માટે સંયુક્ત મોજણી સર્વેક્ષણ પૂરું થયાની માહિતી મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટકચર ડેવલપમેંટ કોર્પોરેશન લિમિટેડે આપી હતી. સર્વેક્ષણ પૂરું થયેલા કેટલાક ગામની જમીનના મૂલ્યાંકન માટેનો પ્રસ્તાવ પુણે, નાશિક, અહમદનગર જિલ્લાધિકારીઓને મોકલવામાં આવ્યો છે. તેથી ટૂંક સમયમાં ભૂસંપાદનની પ્રક્રિયા પૂરી થશે.

અત્યારે પુણેથી નાશિક સીધો રેલવે માર્ગ નથી. પુણે અથવા નાશિક જવા માટે મુંબઈ આવીને ટ્રેન પકડવી પડે છે. પરિણામે આ પ્રવાસ છ કલાક કરતા વધુ સમય લે છે. તેથી આ બંને શહેર વચ્ચે સેમિ-હાઈસ્પીડ રેલવે સંકલ્પના અમલમાં મૂકવામાં આવી છે. આ રૂટ માટે 102 ગામની 1 હજાર 470 હેકટર જમીન જોઈશે. 83માંથી 30 ગામનો કાયદાકીય તપાસ અહેવાલ પ્રાપ્ત થયો છે.

ટ્રેનનો રૂટ
સેમિ-હાઈસ્પીડ ટ્રેન પુણેથી નીકળીને હડપસર સુધી એલિવેટેડ માર્ગ પરથી દોડશે. એ પછી હડપસરથી નાશિક રેલવે સ્ટેશન સુધી જમીન પર દોડશે. આ ટ્રેનને ચાકણ, મંચર, નારાયણગાવ, આળેફાટા, સંગમનેર, સિન્નર અને નાશિક ખાતે સ્ટોપેજ હશે. આ ટ્રેન 6 ડબ્બાની હશે એને 12 અને 16 ડબ્બા સુધી વધારી શકાશે.

ત્રણ જિલ્લામાંથી રેલવે જશે
પ્રકલ્પ અનુસાર સેમિ-હાઈસ્પીડ રેલવેનો માર્ગ 235.15 કિલોમીટર છે જેમાં બે લેન હશે. બ્રોડગેજ બનાવવામાં આવનારા આ માર્ગ પરથી કલાકના 200 કિલોમીટરની સ્પીડથી ટ્રેન દોડશે. એની ઝડપ વધુમાં વધુ કલાકે 250 કિલોમીટર સુધી વધારી શકાય છે. પુણે, અહમદનગર અને નાશિક એમ ત્રણ જિલ્લામાંથી આ ટ્રેન પસાર થશે. આ પ્રકલ્પની કિંમત 16 હજાર 39 કરોડ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...