કચ્છીની 7 વર્ષની મહેનત:ગુજરાતી જોડણીકોશ તૈયાર કર્યો, પ્રેમધર્મ નામે કોશ ગ્રંથરૂપે ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જોડણીકોશ તૈયાર કરનાર વ્યક્તિ - Divya Bhaskar
જોડણીકોશ તૈયાર કરનાર વ્યક્તિ
  • જોડણી વિશે જ્ઞાન નથી તેમને ઉપયોગી થશે

દહિસરમાં રહેતા કચ્છ ભચાઉના વતની વિપુલ ચાંપશી છેડા સાત વર્ષની સખત મહેનતથી ગુજરાતી જોડણીકોશ તૈયાર કર્યો છે, જે ટૂંક સમયમાં જ ગ્રંથના રૂપમાં પ્રકાશિત થવાનો છે. દહિસર પૂર્વમાં એસવી રોડ પર અમિત એપાર્ટમેન્ટમાં રહેતા છેડાએ દિવાળી પર 4 નવેમ્બરે એક લાખથી વધુ શબ્દોનો સંકલન જડિત આ શબ્દકોશનું ઓનલાઈન પ્રકાશન કર્યું હતું.

500 પાનાંનો આ દળદાર શબ્દકોશ 15-20 દિવસમાં નવભારત સાહિત્ય મંદિર (મુંબઈ)ના અશોક શાહ અને કચ્છી આગેવાનના સહયોગથી ગ્રંથનું પ્રકાશન થશે. કચ્છ ભચાઉના વતની ૧૦મા ધોરણ સુધી બોર્ડિંગમાં અભ્યાસ કરનાર છેડાએ પરિસ્થિતિ નબળી હોવાથી દાણાની દુકાનમાં નોકરી શરૂ કરી. આગળ ભણી ના શક્યા પણ ગુજરાતી ભાષાના પ્રેમ માટે અદભુત કામ કર્યું, એમ હેમરાજભાઈએ જણાવ્યું હતું. છેડા દાણાની દુકાનમાં સવારે ૭.૦૦થી લઇ રાતના ૧૦.૦૦ સુધી નોકરી કરે. ઉપરાંત દુકાનના ઑર્ડરની ડિલિવરી કરે છે.

રાતના ૧૧ વાગ્યા પછી સખત મહેનતથી આ કોશ તેમણે તૈયાર કર્યો. છેડાને અંગ્રેજી ભાષાનું બિલકુલ જ્ઞાન નથી, પરંતુ માતૃભાષાના પ્રેમ ખાતર પોતાની આવી પરિસ્થિતિમાં પણ ગાંઠના ગોપીચંદ ખર્ચ કરીને ગુજરાતી ભાષા માટે આટલું મોટું કામ કર્યું છે. ખરેખરે આવા ભાષા પ્રેમીનું સન્માન થવું જોઈએ. આના ભાગરૂપે મેં આ કોષનું પ્રકાશન કરવાનું નક્કી કર્યું છે, એમ અશોકભાઈએ જણાવ્યું હતું.

સાર્થ શબ્દકોશના સંબંધિતો સાથે સતત સંકળન કરીને તેમણે આ ગ્રંથ સાકાર કર્યો છે. ખાસ કરીને જોડણી વિશે જ્ઞાન નથી તેમને માટે આ ગ્રંથ બહુ જ ઉપયોગી નીવડશે. આજે કોમ્પ્યુટર પણ ભાષાની બાબતમાં ગેરમાર્ગે દોરે છે. ઘણા બધા ગુજરાતી શિક્ષકોને પણ મેં અમુક શબ્દોની બાબતમાં ગોથા ખાતાં જોયા છે. આવા સંજોગોમાં આ જોડણીકોશ ઘણા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, એમ છેડાએ જણાવ્યું હતું.

આ કાર્યમાં દામજી ચરલા, ડો. અશોકભાઈ, અનિલ ગડા, હેમંત સામાણીએ તેમને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી હતી. અર્થાત, તેમણે સાર્થ સાથે ગૂગલ, યટ્યુબ, વ્યાકરણ સંબંધી પુસ્તકો લખનારા લેખકોનો પણ સાથ લીધો છે.

12 મહિનાનાં સાત વર્ષ થઈ ગયાં
મૂળમાં 12 મહિનામાં આ ગ્રંથ બહાર પાડવાનો વિચાર હતો, પરંતુ વિવિધ અડચણો, આર્થિક તંગી, અમુક ટાઈપિસ્ટોને ગુજરાતી ભાષાનું ઓછું જ્ઞાન જેવી સમસ્યાઓને કારણે ગ્રંથને સાકાર થવામાં સાત વર્ષ વીતી ગયાં છે, એમ છેડાએ જણાવ્યું હતું. આ જોડણીકોશ શિક્ષકો, વિદ્યાર્થીઓ, લેખકો, જ્ઞાતિજનો અને જિજ્ઞાસુઓને અતિઉપયોગી બનશે એવી આશા છે, એમ તેમણે જણાવ્યું હતું.

આંકડાની દ્રષ્ટિએ 40 કિલો એટલે મણ
છેડાએ અમુક મજેદાર સંશોધનોનો પણ સમાવેશ કર્યો છે. તેમના અનુસાર અલગ અલગ રાજ્યના પ્રદેશોમાં મણનું વજન 56, 40, 24, 20 કિલોગ્રામ ગણવામાં આવે છે. જોકે આંકડાની દ્રષ્ટિએ 40 કિલો જ મણ ગણાય છે. રાજધર્મની દ્રષ્ટિએ ખેડૂત એક સેર આપે ત્યારે તે 960 ગ્રામ હોય છે, જ્યારે વેપારી આપે ત્યારે 1 કિલો હોય છે.

અન્ય સમાચારો પણ છે...