ભાસ્કર એક્સલુઝિવ:JNPT બંદરથી જપ્ત 2000 કરોડના ડ્રગ્સમાં કચ્છ કનેકશન; ખેડોઈ પાસેની હોટેલમાં તપાસ, DRIનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ પોર્ટમાં ગત રોજ ઝડપાયેલા 2 હજાર કરોડ જેટલા જંગી કિંમતના હેરોઈન ડ્રગ્સ મામલે અંજાર તાલુકાના ખેડોઈ પાસે આવેલી હોટેલમાં રેવેન્યુ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, મુંબઈ દ્વારા ગત રોજ મુંબઈના જેએનપીટી પોર્ટ પર ઈરાનના ચાબહાર પોર્ટથી આવેલા બે કન્ટેનરમાંથી હેરોઈન ડ્રગ્સના છ પેકેટ શંકાસ્પદ રીતે અલગ તરી આવતા નજરે ચડ્યા હતા. ત્રણ- ત્રણ પેકેટને બન્ને કન્ટેનરોમાં બાકીના રહેલી અન્ય ગુણીઓ વચ્ચે ચાલાકીથી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. આ બન્ને પેકેટના જથ્થાની તપાસ કરાવતા તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાનું સાબિત થતા, 2 હજારની માર્કેટ કિંમત ધરાવતા 300 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ પ્રકરણે મળેલા કેટલાક ઈનપુટના આધારે તપાસનો દોર મુંબઇથી કચ્છ સુધી ખેંચાયો હતો અને અંજારના ખેડોઈ ગામ પાસે આવેલી એક હોટલમાં બુધવારના ડીઆરઆઈની ટીમે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ અંગે જોકે સ્થાનિક વિભાગ કોઇ સ્પષ્ટતા પરહેજ કરી રહ્યું છે પરંતુ મુંબઈના સુત્રોએ જણાવ્યા અનુસાર કચ્છની હોટલ સાથે ભૂતકાળમાં થયેલા આદાન પ્રદાન અને વર્તમાન તપાસમાં મળી આવેલા સંપર્કોના આધારે આ તપાસનો દોર હાથ ધરાયો હોવાનું સંભવ છે.

નોંધપાત્ર બાબત એવી પણ છે કે ભૂતકાળમાં અંજાર, ભચાઉ, સામખિયાળીની હાઈવે સાઈડ હોટલોથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યાની ઘટનાઓ બનેલી છે તો તાજેતરમાં ગાંધીધામથી હેરોઈનનો મોટો જથ્થો પંજાબમાં ટ્રક મારફતે મોકલાયો હોવાની ઘટનાએ પણ ચકચાર મચાવી હતી. જે અંગે પંજાબ સીએમએ તાજેતરમાં ઉલ્લેખ કરીને ડ્રગ્સ અંગે એક સરખી રાષ્ટ્રીય નીતિને લાગુ કરવાની માંગ પણ કરી હતી. તો બીજી તરફ મુંબઈ થી કચ્છ સુધી તપાસનો દોર લંબાવતા 2હજાર કરોડના ડ્રગ્સ મામલે જે પોર્ટથી આ કન્ટેનર આયાત થયેલું તે ચાબહાર પોર્ટ અગાઉ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ડેવલોપ કરતું હતું.

તો આ કન્સાઈનમેન્ટમાં ઈમ્પોર્ટર પંજાબના સંધુ એક્સપોર્ટ પેઢીના હોવાનું સામે આવતા તેમની અટકાયત કરાઈ હતી. તો ભૂતકાળમાં કચ્છમાં આયાત કરીને કે સ્મગલિંગ થકી ઘુસાડેલા ડ્રગ્સનો જથ્થો પણ પંજાબ સુધી દોરવામાં આવતો હોવાનું સ્પષ્ટ થઈ ચુક્યું છે. રાત સુધી મળતી માહિતી અનુસાર હજી સુધી ખેડોઈ પાસેની હોટલમાં થયેલી તપાસનો દોર ચાલી રહ્યો છે અને તે સ્થળે આવતા જતા ટ્રાન્સપોર્ટરો તેમ જ વિઝિટર્સનો ડેટા પણ તપાસાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...