મુંબઈમાં મહાપાલિકા સહિક ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. છેલ્લ થોડા દિવસથી દર્દીઓ વધતાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ફરીથી માસ્ક ફરજિયાત બનાવવા બાબતે ચર્ચાવિચારણા શરૂ કરી છે.આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે હાલતુરંત માસ્ક ફરજિયાત બનાવવાનો નિર્ણય નહીં લેવાશે.
આમ છતાં ગિરદીમાં જતી વખતે નાગરિકોએ પોતાની અને અન્યોની સુરક્ષા માટે માસ્ક વાપરવો જોઈએ. આ સાથે તબીબ નિષ્ણાતો પણ અગાઉથી જ માસ્ક ફરજિયાત નહીં હોવા છતાં તે વાપરવાની સલાહ આપી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી હોવાથી તેની પર ચર્ચા શરૂ થઈ હોઈ મુંબઈગરામાં જોકે માસ્ક બાબતે અવઢવ છે.
કોવિડના દર્દીઓની સંખ્યા ઓછી થવાથી રાજ્ય સરકારે નિયંત્રણો હટાવી દીધાં છે. આથી રસ્તાઓ પર, મેદાનોમાં, બગીચાઓમાં, અન્ય જાહેર સ્થળે ફરીથી ગિરદી થવા લાગી છે. લગ્નસરા પણ શરૂ થયા હોવાથી ખરીદી મોટે પાયે થઈ રહેલી જોવા મળે છે. સરકારે માસ્કની સખતી ઉઠાવી દીધા પછી અનેક નાગરિકો જાણે માસ્કને ભૂલી જ ગયા છે.
કોવિડ શરૂ થયો ત્યારથી જેઓ માસ્ક વાપરતા હતા તેઓ હવે માસ્ક પહેરવા માટે ટાળમટોળ કરી રહ્યા છે. જોકે અમુક લોકો આજે પણ કોવિડ અને માસ્કને ગંભીરતાથી લેતા હોઈ માસ્ક વાપરતા દેખાય છે. આ જ ધ્યાનમાં લેતાં હાલની કોવિડની પરિસ્થિતિ અને માસ્ક સખતી વિશે મુંબઈગરાને ચોક્કસ શું લાગે છે તે જાણી લીધા પછી સંમિશ્ર પ્રતિક્રિયા ઊમટી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.