હોઠ પર ચુંબન અને વહાલ કરવું તે ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ અનૈસર્ગિક ગુનો નથી એવું નિરીક્ષણ મુંબઈ હાઈ કોર્ટે કર્યું હતું અને સગીર બાળક પર જાતીય હુમલાના આરોપીને જામીન આપ્યા હતા. 14 વર્ષના બાળકના પિતાની ફરિયાદ પરથી ગયા વર્ષે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈએ આરોપીની જામીન આપ્યા હતા.
એફઆઈઆર અનુસાર બાળકના પિતાને તેમના કબાટમાંથી અમુક નાણાં ગાયબ થયાં હોવાનું જણાયું હતું. બાળકે કહ્યું કે તેણે આરોપીની નાણાં આપ્યાં છે. બાળક ઓલા પાર્ટી નામે ઓનલાઈન ગેમ રિચાર્જ કરવા માટે મુંબઈ ઉપનગરમાં આરોપીની દુકાને જતો હતો. એક દિવસ તે રિચાર્જ કરવા ગયો ત્યારે આરોપીએ તેના હોઠ પર ચુંબન કર્યું અને ગુપ્તાંગને સ્પર્શ કર્યો હતો, એવો બાળકે આરોપ કર્યો હતો.
બાળકના પિતાએ પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી વિરુદ્ધ પોકસો ધારાની સુસંગત કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ 377 હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જેમાં આરોપ સિદ્ધ થતાં આજીવન કેદ છે અને જામીન મળવાનું મુશ્કેલ છે.કોર્ટે આરોપીને જામીન આપતાં નિરીક્ષણ કર્યું કે છોકરા પર તબીબી પરીક્ષણ કરાયું, જેનું પરિણામ જાતીય હુમલાના તેના નિવેદનને સમર્થન આપતું નથી.
આરોપી સામે પોકસોની કલમ હેઠળ પાંચ વર્ષની મહત્તમ સજા છે અને જામીન માટે તે હકદાર છે. આ કેસમાં અનૈસર્ગિક સંભોગનું તત્ત્વ પ્રથમદર્શી લાગુ થતું નથી. પીડિતનું નિવેદન અને એફઆઈઆર એવો સંકેત આપે છે કે આરોપીએ પીડિતના ગુપ્તાંગને સ્પર્શ કર્યો હતો અને તેના હોઠ પર ચુંબન કર્યું હતું.
મારા અભિપ્રાયમાં પ્રથમદર્શી જોતાં આ કલમ 377 હેઠળ ગુનો બનતો નથી. આરોપીએ એક વર્ષ કસ્ટડીમાં વિતાવ્યો છે અને ખટલો ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા નથી. આથી ઉક્ત વાસ્તવિકતા અને સંજોગો ધ્યાનમાં લેતાં આરોપી જામીન માટે હકદાર છે, એવી નોંધ કરીને આરોપીને રૂ. 30,000ના પર્સનલ બોન્ડ પર જામીન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.