નવી મુંબઈમાં ઐરોલી સેક્ટર 7 ખાતે રહેતી એક 15 વર્ષીય વિદ્યાર્થિનીએ ભણવા માટે સતત ઠપકો આપતી માતાને કરાટેના કપડાના બેસ્ટથી ગળું દબાવીને જીવ લીધો હતો. આટલું ઓછું હોય તેમ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને માતાના મોબાઈલ ફોન પરથી પોતાના સંબંધીને ફોન કરીને માતા આત્મહત્યા કરી રહી છે એવો મેસેજ મોકલ્યો હતો. જોકે 30 જુલાઈએ બનેલી આ ઘટનાનું કોકડું પોલીસે કાઢ્યું છે.
મૃતક શિલ્પા જાધવ (41) પતિ સંતોષ (44), 15 વર્ષની પુત્રી અને 6 વર્ષના પુત્ર સાથે રાકેશ સોસાયટીમાં રહેતાં હતાં. પુત્રી ડોક્ટર બને એવી માતા- પિતાની ઈચ્છા હતી. આથી મે મહિનાથી નીટ પરીક્ષાની તૈયારી માટે પુત્રીને ક્લાસમાં જોડી હતી. જોકે પુત્રીનું ધ્યાન નહીં હોવાથી માતા સતત અભ્યાસ માટે દબાણ કરતી હતી.આને કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. 27 જુલાઈએ પુત્રી સતત મોબાઈલ પર વ્યસ્ત રહેતી હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો. આથી તે ગુસ્સે થઈને નજીકમાં રહેતા મામા શૈલેશ પવારના ઘરે રહેવા માટે જતી રહી હતી.
આ પછી સાંજે માતા તેને ઘરે લાવવા ગઈ ત્યાં ફરીથી ઝઘડો થયો હતો. આ પછી પુત્રીએ માતા- પિતા વિરુદ્ધ રબાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. રબાલે પોલીસે ત્રણેયને સમજાવીને ઘરે મોકલી દીધાં હતાં. 30 જુલાઈએ સવારે પિતા કામ નિમિત્તે બહાર ગયા હતા. ઘરમાં માતા, પુત્રી અને પુત્ર ત્રણ જણ હતા.બપોરે 2 વાગ્યે માતાએ ફરીથી અભ્યાસ કરવા ગુસ્સો કરીને મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું.
મારઝૂડ કરતી વખતે માતાએ હાથમાં છરો લેતાં પુત્રી વધુ ગુસ્સે થઈ હતી અને પ્રતિકાર કરવા લાગી હતી. પુત્રીએ તે સમયે માતાને બચકું ભરીને ધક્કે ચઢાવી હતી. માતા નીચે પડીને બેડરૂમમાં બેડનો ખૂણો માથામાં લાગતાં અર્ધબેભાન થઈ ગઈ હતી. પુત્રીએ બેડ પર કરાટેનો કાપડનો બેલ્ટ લઈને તેનાથી માતાનું ગળું દબાવી દીધું હતું, જેમાં માતાનું મોત થયું હતિં.
માતાના મોબાઈલથી વ્હોટ્સએપ મેસેજ
માતાએ આત્મહત્યા કરી છે એવો બનાવ ઊભો કરવા પુત્રીએ બેડરૂમના દરવાજાની ચાવી લઈને માતાના બેડરૂમમાં મૂકી. આ પછી માતાના મોબાઈલ પરથી વ્હોટ્સએપ પર પિતા, માતા, માસીને મેં ઘણા પ્રયાસ કર્યા, હવે હારીને જીવનલીલા સંકેલી રહી છું એવો મેસેજ અંગ્રેજીમાં મોકલ્યો અને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. પિતાએ તુરંત નજીકમાં રહેતા શૈલેષ પવારને જાણ કરી. પવારે ઘરે જઈને બેડરૂમનો દરવાજો ખોલતાં શિલ્પા મૃતાવસ્થામાં પડેલી જણાઈ હતી. આ પછી પોલીસને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમમાં હત્યા હોવાનું તારણ નીકળતાં પોલીસે શિલ્પાની પુત્રીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેને બાળ સુધારગૃહમાં મોકલી અપાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.