તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કાંદિવલીના પંદર મિત્રોનું ગ્રુપ કોવિડના દર્દીઓ માટે દેવદૂત સમાન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન કોન્સન્ટ્રેટર, સિલિંડર, ઈન્જેકશન, પ્લાઝમા, લોહીની વ્યવસ્થાનું નેક કામ

મુંબઇમાં કોવિડ રોગની લડાઈમાં સરકારી તંત્રની સાથે દર્દીઓની મદદ માટે હજારો હાથ ઊભા થઈ રહ્યા છે. અનેક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવીને જુસ્સાથી કામગીરી કરી રહી છે. આવું જ એક 15 મિત્રોનું ગ્રુપ કોવિડના દર્દીઓની વહારે આવ્યું છે. તેઓ જરૂર હોય ત્યારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૂરાં પાડવાથી લઇને, ઓક્સિજન સિલિન્ડરો, જરૂરી ઈન્જેક્શન, પ્લાઝ્મા અને લોહીની વ્યવસ્થાનું નેક કામ કરી રહ્યા છે.

મુંબઇના કાંદિવલી, લોખંડવાલા વિસ્તારમાં વિશ્વાસ નામની આ સંસ્થાએ કોવિડના રોગચાળા દરમિયાન તેમની હાઉસિંગ સોસાયટી નીચે એક “કંટ્રોલ રૂમ” બનાવ્યો છે અને આ કંટ્રોલ રૂમ દ્વારા મુંબઈ સાથે રાજસ્થાન, દિલ્હી, બંગાળ, યુપીમાં અને દેશના દરેક ખૂણામાં આર્થિક અને સામૂહિક મદદ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં સંસ્થા દ્વારા કેઈએમ હોસ્પિટલ, ક્રિટિકેર હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, નાશિક પોલીસ સર્જન હોસ્પિટલ, મુંબઇ પોલીસના એસીપી સહિત 8 સંસ્થાઓ અને વ્યક્તિઓને 16થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર કોવિડ દર્દીઓની મદદ માટે આપ્યાં છે.

સંસ્થાના પ્રમુખ સુરેશ અગ્રવાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સૌથી મોટી વાત એ છે કે અમારા સંગઠન દ્વારા હોસ્પિટલની અંદર જરૂરતમંદ કોવિડ દર્દીઓની સહાય સીધી પહોંચાડવામાં આવી રહી છે, જેથી વચ્ચેથી કોઇ હેરાફેરીની સમસ્યા ન આવે, અત્યાર સુધી જે હોસ્પિટલોમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે તેમને પણ ટ્રસ્ટ દ્વારા સીધા તેમની હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં મોકલવામાં આવ્યા છે.

અંધેરીની ક્રિટિકેર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ટ્રસ્ટ દ્વારા 10 લિટરના 2 આઇસીસી ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા હતા. આ હોસ્પિટલના એમડીએ જણાવ્યું હતું કે, વિશ્વાસ સંસ્થા દ્વારા હોસ્પિટલોને આપવામાં આવેલી મદદ અને કોરોના દર્દીઓને આપવામાં આવતી આ સહાય જીવન બચાવવાનું કાર્ય કરી રહી છે.

સંસ્થાની મહિલા સેલ પણ સક્રિય
સંસ્થાના મહિલા સેલ પ્રમુખ લલિતાબેને જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા, ખાસ કરીને કોવિડગ્રસ્ત કેન્સરના દર્દીઓને હિંદુજા હોસ્પિટલ અને ટાટા હોસ્પિટલમાં સીધી મદદ આપવામાં આવી રહી છે. આવા દર્દીઓને પ્લાઝ્માથી લઇ લોહી અને ભોજન સુધીના આખા કુટુંબને મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. દવાઓ પૂરી પાડવાનું કામ પણ ચાલુ છે. વિશ્વાસ સંસ્થાએ આ રોગચાળાના સમયમાં મુંબઇ ઉપરાંત દિલ્હી, બંગાળ, યુપી, આસામ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના 200થી વધુ દર્દીઓ અને પરિવારોને સીધી સહાય આપી છે.

અન્ય સમાચારો પણ છે...