તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનિલ દેશમુખ મુસીબતમા:કૈલાસ ચાંદીવાલ સમિતિને દીવાની અધિકાર ,વસૂલ ટાર્ગેટના આરોપમાં તથ્ય જણાય તો એન્ટી કરપ્શનને તપાસ સોંપી શકે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કરેલા રૂ. 100 કરોડની વસૂલીના ટાર્ગેટના આરોપની તપાસ કરવા માટે રાજ્ય સરકારે નીમેલી નિવૃત્ત જસ્ટિસ કૈલાસ ચાંદીવાલની એક સભ્યની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિને દીવાની કોર્ટના અધિકાર બહાલ કરવામાં આવ્યા છે. આને કારણે દેશમુખની મુસીબત વધી શકે છે.

ખાસ કરીને જો આ સમિતિને દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોમાં તથ્ય જણાશે તો તે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) અથવા તેની સમકક્ષ અન્ય એજન્સીને તપાસ સોંપી શકે છે.જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા સમિતિને દીવાની કોર્ટના અધિકાર આપવામાં આવ્યા હોવાની સૂચના જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકો મૂક્યા બાદ તેમાં સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેની સક્રિય સંડોવણી બહાર આવી હતી.

વાઝે એપીઆઈ સ્તરનો અધિકારી હોવા છતાં સીધું કમિશનરને રિપોર્ટિંગ કરતો હતો, જે અંગે જબરદસ્ત ટીકા થવા લાગી હતી. આથી તત્કાલીન રાજ્યના ગૃહમંત્રી દેશમુખે કમિશનરની હોમ ગાર્ડના પ્રમુખ તરીકે બદલી કરી નાખી હતી.આ પછી પરમવીરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને 20 માર્ચ, 2021ના રોજ પત્ર લખીને દેશમુખે વાઝે અને સમાજસેવા શાખાના એસીપી સંજય પાટીલને હોટેલિયરો સહિતના વેપારીઓ પાસેથી માસિક રૂ. 100 કરોડની વસૂલીનું ટાર્ગેટ આપ્યું હતું એવા આરોપ કર્યા હતા, જેને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાવો આવી ગયો હતો.

ઉપરાંત આઈપીએસ અધિકારીઓના ટ્રાન્સફરમાં પણ ગોટાળા હોવાનો આરોપ કર્યો હતો. ખાસ કરીને રાજ્યમાં મુખ્ય વિરોધી પક્ષ ભાજપે આ મામલાને જબરદસ્ત ઉછાળ્યો હતો.આ પછી વાઝેએ એનઆઈએ કોર્ટમાં પત્ર લખીને દેશમુખ સાથોસાથ મંત્રી અનિલ પરબ, અજિત પવારના એક નિકટવર્તી પર ગંભીર આરોપ કર્યા હતા, જેથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ મામલો કોર્ટમાં પહોંચતાં ઠપકો અપાતાં આખરે દેશમુખને હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

સમિતિ છ મહિનામાં તપાસ પૂરી કરશે
ચાંદીવાલ તપાસ સમિતિને આયોગ અધિનિયમ 1952માં કલમ 4, 5, 5-એ, 8, 9 અનુસાર દીવાની અને અનુષાંગિક અધિકાર બહાલ કરવામાં આવ્યા છે, એમ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે. આ સમિતિને પોતાની ભલામણો આપવા માટે છ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે.

સમિતિને પરમવીર સિંહના આરોપમાં તથ્ય જણાય તો આ પ્રકરણની તપાસ તે એસીબીને અથવા અન્ય તેની સમકક્ષની સંસ્થાના સોંપવાની ભલામણ સમિતિ કરી શકે છે. આ જ રીતે આવાં પ્રકરણો ફરીથી ઉદભવે નહીં તે માટે સમિતિ ગૃહવિભાગને સૂચનો પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...