તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એન્ટિલિયા વિસ્ફોટક કેસ:પ્રદીપ શર્માને જ્યુડિશિયલ કસ્ટડી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનીષ સોની અને સતીશ મોઠકુરીની એનઆઈએ કસ્ટડી વધારાઈ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક અને ધમકીના પત્ર સાથે મળેલા વાહન અને થાણેના વેપારી મનસુખ હિરનની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલી ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને સોમવારે વિશેષ એનઆઈએ કોર્ટે 12 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા, જ્યારે અન્ય બે આરોપી મનીષ સોની અને સતીશ મોઠકુરીની એનઆઈએ કસ્ટડી વધારવામાં આવી છે.એનઆઈએ દ્વારા આ ત્રણેયની 17 જૂને ધરપકડ કરવામાં આવી હતી. શર્માની વધુ કસ્ટડી નહીં માગતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

11 જૂને મલાડથી ધરપકડ કરવામાં આવેલા અન્ય બે આરોપી સંતોષ શેલાર અને આનંદ જાધવને પણ 12 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.શર્માના વકીલ સુદીપ પાસબોલાએ પોતાની અસીલને જાનનું જોખમ હોવાથી થાણે જેલમાં રાખવા વિનંતી કરી હતી. શર્માએ ઘણા બધા કેસમાં તપાસ કરી છે. તેમની ધરપકડ પૂર્વે પોલીસ રક્ષણ પણ અપાયેલું હતું. એનઆઈએએ આ સામે કોઈ વાંધો નહીં હોવાનું જણાવ્યું હતું.કોર્ટે શર્માને જ્યાં લઈ જવાના હતા તે તલોજા જેલના એસપીને આ બાબતમાં વિચાર કરીને તે મુજબ પગલાં લેવા જણાવ્યું હતું.

25 ફેબ્રુઆરીના રોજ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક સાથેનું વાહન મળી આવ્યું હતું. 5 માર્ચે મુંબ્રામાં ખાડીમાંથી મનસુખ હિરનની લાશ મળી હતી.એનઆઈએ મુજબ શર્મા અને સચિન વાઝેના કહેવાથી સોની અને મોઠકુરીએ મનસુખની હત્યા કરી હતી. હત્યા પછી બંને મુંબઈની બહાર ભાગી ગયા હતા.

હજુ અમુક કડીઓ શોધવાનું બાકી
એનઆઈએ દ્વારા કોર્ટને સોમવારે એમ પણ જણાવવામાં આવ્યું કે કાવતરાની અમુક કડીઓ હજુ પણ શોધવાનું બાકી છે. મનસુખની હત્યામાં વપરાયેલી ચીજો જપ્ત કરવાની બાકી છે. હત્યા સમયે મનસુખની અમુક વસ્તુઓ પણ હજુ મળી નથી. અમે ઘણી બધી રોકડ જપ્ત કરી છે, જેનું પગેરું મેળવવાનું બાકી છે. બંનેના વકીલ રાહુલ આરોટેએ જણાવ્યું કે એનઆઈએએ બંનેની ધરપકડ કરી ત્યારથી કસ્ટડી માટે કોઈ નવું કારણ આપ્યું નથી. સોની કાપડનો વેપારી છે અને વારંવાર વિદેશમાં જાય છે. એનઆઈએ પાસે પાસપોર્ટ છે, જેની પરથી બધી વિગતો શોધી શકે છે. બંને પક્ષની દલીલો બાદ બંને આરોપીને કોર્ટે 1 જુલાઈ સુધી કસ્ટડી વધારી હતી.

અગાઉ કોની કોની ધરપકડ થઈ છે
અગાઉ આ કેસમાં સચિન વાઝે, રિયાઝુદ્દીન કાઝી, સુનિલ માનેની ધરપકડ થઈ છે, જે ત્રણેય પોલીસ અધિકારીની દળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ઉપરાંત ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરની પણ ધરપકડ કરવામાં આવી છે. શર્મા અને વાઝેએ મનસુખની હત્યાનું કાવતરું અને નિયોજન કર્યું હતું એવો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...