ચોંકાવનારી માહિતી:જૈશના આતંકવાદીએ ભવનનો વિડિયો પાકિસ્તાનના હેન્ડલર કમાન્ડર ઓમરને મોકલ્યો હતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાગપુર એટીએસ દ્વારા જમ્મુ- કાશ્મીરથી ધરપકડ કરવામાં આવેલા જૈશ-એ- મોહમ્મદના આતંકવાદી રઈસ અહમદ શેખ અસદુલ્લા શેખે (26) ગયા વર્ષે નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના ડો. હેડગેવાર સ્મૃતિ ભવનની રેકી કરી હતી. તેનો વિડિયો ઉતારીને પાકિસ્તાનમાં પોતાના હેન્ડલરને મોકલ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના ફુલવામા જિલ્લાના અવંતીપુરા શહેરના રહેવાસી શેખની છેલ્લા બે દિવસથી આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. પાકિસ્તાનમાં નવાબપુર સ્થિત આતંકવાદીઓના લોન્ચિંગ પેડનો ઓપરેશનલ કમાન્ડર ઓમર તેનો હેન્ડલર હતો. તે 13 જુલાઈ, 2021ના રોજ દિલ્હી- મુંબઈ- નાગપુર ફ્લાઈટથી નાગપુર આવ્યો હતો અને સીતાબુલડી વિસ્તારમાં હોટેલમાં ઊતર્યો હતો.

હેન્ડલરે તેને ખાતરી આપી હતી કે નાગપુરનો એક સ્થાનિક તેનો સંપર્ક કરશે અને નાગપુરમાં ઓપરેશનમાં મદદ કરશે. જોકે એવી કોઈ વ્યક્તિએ સંપર્ક નહીં કરતાં શેખે જાતે રેકી કરી હતી, એમ એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું. 14 જુલાઈએ શેખે રિક્ષા પકડીને ગૂગલ મેપની મદદથી રેશિમબાગ વિસ્તારમાં પહોંચ્યો હતો.

આ લોકેશન તેના હેન્ડલરે મોકલ્યું હતું. તેનું લક્ષ્ય સ્મૃતિ ભવનની રેકી કરવાનું હતું. તે બપોરે રેશિમબાગ ગ્રાઉનન્ડ નજીક ઊતર્યો હતો. આ પછી મોબાઈલ ફોન કેમેરા ચાલુ કર્યો અને ફોન પર વાત કરતો હોય તેવું બતાવવા ફોનનું માથું પોતાની નજીક રાખ્યું હતું. રેશિમબાગમાં ચાલીને તેણે વિડિયો ઉતારી લીધો હતો.

આ વિડિયો વ્હોટ્સએપ પર હેન્ડલરને મોકલ્યો ,હતો, પરંતુ તેની ગુણવત્તા સારી નહીં હોવાથી હેન્ડલરે તેને ઠપકો આપ્યો હતો અને નવેસરથી વિડિયો શૂટ કરવા સૂચના આપી હતી. જોકે પોલીસ બંદોબસ્ત હોવાનું કારણ આપીને તેણે ઈનકાર કરીને ફોન બંધ કરી દીધો હતો.આ પછી રિક્ષાને બોલાવીને મસ્જિદમાં લઈ જવા કહ્યું હતું.

સંત્રા માર્કેટ ગેટ પાસે મસ્જિદ ખાતે ઊતર્યો, જ્યાં આખો દિવસ મુકામ કર્યો હતો અને સાંજે હોટેલમાં પાછો આવ્યો હતો. 15 જુલાઈએ શેખ નાગપુર- દિલ્હી- શ્રીનગર ફ્લાઈટથી શ્રીનગર ગયો હતો.અગાઉ અહીંના કોતવાલી પોલીસે તેની સામે યુએપીએ ધારાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. અગાઉ આ વર્ષે તત્કાલીન મહારાષ્ટ્ર પોલીસ પ્રમુખ સંજય પાંડેએ કેસ સ્ટેટ એટીએસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...