તપાસ:ITના દરોડામાં 1050 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 નિવાસી અને 15 ઓફિસ સંકુલ આવરી લેવાયાં; છ મહિનાથી નજર રખાઈ રહી હતી, ગ્રાહકોને મળવા માટે બે વચેટિયાઓએ ઓબેરોય હોટેલમાં અમુક સ્યુટ્સ ભાડે રાખ્યા હતા

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર સાથે સંકળાયેલી કંપનીઓ, સંબંધીઓ, સહયોગીઓ પર આઈટી દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા પછી આઈટી દ્વારા બહાર પાડવામાં આવેલી એક યાદીમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે. મહારાષ્ટ્રમાં અમુક વેપારીઓ અને વચેટિયાઓ અને જાહેર કાર્યાલયો ધરાવતી અમુક વ્યક્તિઓની સંડોવણી ધરાવતી મોટી સિન્ડિકેટ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (આઈટી) દ્વારા કાર્યવાહીમાં ૨૫ નિવાસી અને ૧૫ ઓફિસ સંકુલોને આવરી લેવાયાં હતાં, જ્યારે ૪ ઓફિસ સર્વે હેઠળ છે.

છ મહિના સુધી ઈન્ટેલિજન્સ ભેગું કર્યા પછી ૨૩ સપ્ટેમ્બરથી જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જેમાં બે વચેટિયાઓ દ્વારા ઓબેરોય હોટેલમાં બે સ્યુટ કાયમી ધોરણે ભાડે રખાયા હતા અને ગ્રાહકોને મળવા માટે તેનો ઉપયોગ કરાતો હતો એવું બહાર આવ્યું છે, જ્યાં પણ સર્ચ કરવામાં આવી હતી. આ સિન્ડિકેટ દ્વારા તેમના રેકોર્ડસમાં વિવિધ કોડ નેમ ઉપયોગ કરાયા હતા અને એક કેસ તો ૧૦ વર્ષનો પાછલી તારીખના રેકોર્ડ ધરાવે છે. કુલ રૂ. ૧૦૫૦ કરોડના આર્થિક વ્યવહાર શોધી કાઢવામાં આવ્યા છે, એમ આઈટી દ્વારા દરોડા પછી જણાવ્યું હતું.

આ વચેટિયાઓ જમીનોની ફાળવણીથી સર્વ સરકારી મંજૂરીઓ પ્રાપ્ત કરવા સુધી કોર્પોરેટ્સ અને એન્ટરપ્રેન્યોર્સને સંપૂર્ણ સેવા આપતા હતા. અનેક અડચણો છતાં મહત્ત્વપૂર્ણ ડિજિટલ પુરાવા અને વિવિધ વાંધાજનક પુરાવાઓ છૂપી જગ્યાઓમાંથી શોધી કાઢવાં આવ્યા છે. વચેટિયાઓએ રોકડની ટ્રાન્સફર માટે આંગડિયાઓનો ઉપયોગ કર્યો હતો અને એક આંગડિયા પાસેથી તેમાંથી રૂ. ૧૫૦ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.

મંત્રાલયમાં મલાઈદાર પોસ્ટિંગ માટે કટકી
ઊપજાવેલી અને વિતરણ કરાયેલી એકંદર રોકડની સમરીનો સમાવેશ ધરાવતા પ્રાપ્ત દસ્તાવેજો જપ્ત કરાયા છે, જેમાં પ્રાપ્ત અને પ્રાપ્તિક્ષમ રકમો પ્રત્યેકી રૂ. ૨૦૦ કરોડની છે. આ નાણાં અમલદારો દ્વારા અમુક મંત્રાલયમાં મલાઈદાર પોસ્ટિંગ્સ મેળવવા માટે રોકડમાં ચૂકવાયાં હતાં અને ઠેકેદારો દ્વારા પેમેન્ટ્સ છૂટા કરવા માટે ચૂકવાયા હતા એવું બહાર આવ્યું છે. રોકડ વિવિધ વ્યક્તિઓને વિતરણ કરાઈ હતી, જેમાં કોડ નામથી ઓળખવામાં આવેલી વ્યક્તિને રોકડ સૌથી વધુ ગઈ છે.

કરોડોના દાગીના, રોકડ જપ્ત
દરમિયાન અમુક વ્યક્તિ પોતાના રિયલ એસ્ટેટ અને બાંધકામ વેપારો ધરાવે છે, જે સંબંધમાં રોકડની પ્રાપ્તિઓ અને ચુકવણીના પુરાવા પણ મળ્યા છે. મોટે પાયે ડિજિટલ ડેટા, મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ, આઈક્લાઉડ, ઈમેઈલ્સ વગેરે જપ્ત કરીને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. રૂ. ૪.૬ કરોડની રોકડ, રૂ. ૩.૪૨ કરોડના દાગીના જપ્ત કરાયા છે. ૪ લોકરો સીલ કરાયા છે, એમ પણ આઈટીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...