રાજકારણ:મહાત્મા ફુલે અને આંબેડકરના પગલે ચાલવું જરૂરી: શરદ પવાર

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવારના જન્મદિને શિવસેનાએ કહ્યુ, તેમને પીએમ બનવાની તક મળવી જોઇતી હતી

મહારાષ્ટ્રના અને દેશના રાજકારણના દિગ્ગજ નેતાઓ પૈકી એક એવા શરદ પવારનો શનિવારે જન્મ દિવસ હતો. અનેક નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે શિવસેનાએ કહ્યું કે, શરદ પવારને બહુ અગાઉ દેશના વડા પ્રધાન બનવાનો મોકો મળવો જોઈતો હતો.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે, તેમને પીએમ બનવાની તક બહુ અગાઉ આપવાની જરુર હતી. તેમનામાં દેશ ચલાવવાની ક્ષમતા છે. આ પહેલાં શુક્રવારે રાઉતે કહ્યું હતું કે, જો શરદ પવાર યુપીએના અધ્યક્ષ બનશે તો અમારી પાર્ટી ખુશ થશે. કોંગ્રેસ હવે નબળી પડી છે ત્યારે વિપક્ષોએ સાથે આવીને યુપીએને મજબૂત કરવાની જરૂર છે.

દરમિયાન ઉંમરના 80 વર્ષ પૂરાં કરીને 81મા વર્ષમાં પ્રવેશ કરનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે શનિવારે જણાવ્યું કે રાજકીય કાર્યકરોએ તેમની વિચારધારા સાથે ક્યારેય પણ સમજૂતી કરવી જોઈએ નહીં. એક કાર્યક્રમમાં આ વરિષ્ઠ રાજકીય નેતાએ જણાવ્યું કે, નવી પેઢીના કાર્યકરો બનાવવાથી ભવિષ્યમાં રાજ્ય અને દેશને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.

શરદ પવારે જણાવ્યું કે, રાજકીય કાર્યકરોએ તેમના વિચારો પર અડગ રહેવું જોઈએ. મહાત્મા જ્યોતિબા ફુલે, બી આર આંબેડકર અને છત્રપતિ શાહુ મહારાજની પ્રગતિશીલ વિચારધારાને નવી પેઢીના કાર્યકરોમાં ઉતારવી અનિવાર્ય છે. વિચારધારા એ જીવનની ફિલસુફી છે તેવું જણાવતાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, સમાજસેવા વખતે પણ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

જ્યારે તમે સમાજના છેવાડાની વ્યક્તિની કાળજી રાખો છો ત્યારે તમે જીવનપથ પર આગળ જવા માટે ઘણું શીખી શકો છો. છેલ્લા પાંચ દાયકામાં લોકોએ મને કામ કરવાની તક આપી છે. લોકોના ઉત્થાનનાં કાર્યો માટે સામાજિક સુધારકો મહાત્મા ફુલે અને બી આર આંબેડકરે વૈજ્ઞાનિક સ્વભાવનો પરચો આપ્યો હતો. આવા મહાન લોકોને ફક્ત યાદ રાખવા જોઈએ એટલું જ નહીં પરંતુ તેમના પગલે લોકકલ્યાણ માટે આગળ વધવું મહત્ત્વનું છે.

પવારે આ પ્રસંગે પોતાનાં માતા- પિતાને યાદ કરતાં કહ્યું કે તેમણે મને શીખવ્યું કે રાજકીય અને સામાજિક કાર્યો કરવાની સાથે પરિવારની જવાબદારીની અવગણના નહીં કરવી જોઈએ. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપના શાસનનો અંત લાવીને શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર રચવામાં શરદ પવારનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...