દરોડા:દેશભરમાં બે જૂથોનાં 40 સંકુલો પર આઈટી વિભાગના દરોડા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરફ્યુમ અને રિયલ એસ્ટેટ વેપારનાં બે જૂથ દ્વારા કરોડોની કરચોરી

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા પરફ્યુમ ઉત્પાદન અને રિયલ એસ્ટેટમાં સંકળાયેલાં બે જૂથો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ રાજ્યોમાં 40 સંકુલો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં.પરફ્યુમ ઉત્પાદન કરનાર મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં સ્થિત છે, જેની તપાસમાં પરફ્યુમ્સના વેચાણના ખોટા આંકડા બતાવવામાં આવ્યા હતા. સ્ટોકમાં ચેડાં કરાયાં હતાં, ખાતાવહીઓમાં કરપાત્ર યુનિટમાંથી કરમુક્ત યુનિટમાં નફો ફેરવવા માટે ચેડાં કરાયાં હતાં, ખર્ચ વધુ બતાવવામાં આવ્યો હતો.

જૂથની સેલ્સ ઓફિસ અને મેઈન ઓફિસમાં એવું જોવા મળ્યું છે કે 35થી 40 ટકાનું તેમનું રિટેઈલ વેચાણ કાચાં બિલો દ્વારા રોકડમાં કરાયું હતું અને આ રોકડ પ્રાપ્તિઓની નિયમિચ ખાતાવહીઓમં નોંધ કરાઈ નહોતી, જે આંકડો કરોડોમાં જાય છે. ઉપરાંત રૂ. 5 કરોડથી વધુ બોગસ પાર્ટીઓ પાસેથી ખરીદીઓનું બુકિંગ કરાયું હોવાનું બહાર આવ્યું છે, એમ આઈટીનાં સૂત્રોએ જણાવ્યું હતું.વાંધાજનક પુરાવાના વિશ્લેષણમાં એવો સંકેત મળ્યો છે કે આ રીતે ઊપજાવવામાં આવેલી બિનહિસાબી આવક મુંબઈમાં વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટોમાં રોકાણ કરવામાં આવી હતી.

ભારત અને યુએઈમાં મિલકતોની પ્રાપ્તિ કરાઈ હતી. જૂથ દ્વારા રૂ. 10 કરોડની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જૂથે નિવૃત્ત થતા ભાગીદારોને ચૂકવવામાં આવેલા લાભો પર રૂ. 45 કરોડની આવક જાહેર કરી નહોતી.જૂથના પ્રમોટરોએ અમુક દરિયાપારમાં કંપનીઓ રચી હતી. આવી કંપનીઓ તેમનાં સંબંધિત આઈટી રિટર્ન્સમાં બતાવવામાં આવી નહોતી. સર્ચ દરમિયાન પ્રાપ્ત પુરાવામાં એવું બહાર આવ્યું છે કે દરિયાપારની કંપનીઓ ભારતીય પ્રમોટરો દ્વારા ચલાવવામાં અને વ્યવસ્થાપન કરવામાં આવતી હતી. આવી બે કંપનીએ યુએઈમાં પ્રત્યેકી એક વિલા ધરાવે છે.

દરિયાપાર કંપની બતાવી ગોલમાલ
યુએઈની જૂથની કંપનીઓએ જૂથની ભારતીય કંપનીઓમાં તગડા પ્રીમિયમે રૂ. 16 કરોડની અનધિકૃત શેરમૂડી રજૂ કરી હતી. આ પ્રાપ્તિકર્તા જૂથની કંપનીએ અમુક કોલકતા સ્થિત બોગસ કંપનીઓ પાસેથી અનધિકૃત શેરમૂડીના સ્વરૂપમાં રૂ. 19 કરોડની રકમ પણ પ્રાપ્ત કરી હતી. આ બોગસ કંપનીઓના એક શેરહોલ્ડર ડાયરેક્ટરે કબૂલ કર્યું કે તે ડમી ડાયરેક્ટર હતો અને જૂથના પ્રમોટરોના કહેવાથી જૂથની કંપનીની શેરમૂડીમાં રોકાણ કર્યું હતું.

સ્ટોક રજિસ્ટર પણ નહીં
યુપી સ્થિત અન્ય એક જૂથની તપાસમાં આશરે રૂ. 10 કરોડની નોંધ નહીં કરાયેલી રોકડ મળી આવી હતી. જૂથે તેની ઈન્વેન્ટરી માટે કોઈ સ્ટોક રજિસ્ટર પણ જાળવ્યું નહોતું. હમણાં સુધી રૂ. 9.40 કરોડની બિનહિસાબી રોકડ અને રૂ. 2 કરોડની બિનહિસાબી જ્વેલરી જપ્ત કરાઈ છે. અનેક બેન્ક લોકરો નિયંત્રણ હેઠળ લેવાયાં છે અને તેની તપાસ હજુ બાકી છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...